વાંકાનેર વનવિભાગ દ્વારા તાકીદે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા વાંકાનેર : વાંકાનેર રામપરા વિડી વિસ્તારમાં રહેતો દીપડો છાસવારે વાંકાનેર તાલુકામાં આંટાફેરા કરે છે ત્યારે ગઈકાલે સાંજે દીપડાએ નીલગાય બકરી અને કુતરાનું મારણ કરતા વનવિભાગ એલર્ટ બન્યો છે અને તાકીદે પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે ટીમોને કામે લગાડી છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને નીલગાય, કૂતરું તેમજ બકરીને નિશાન બનાવી શિકાર કરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ વાંકાનેર વનવિભાગના અધિકારી શ્રી નરોડીયાએ જણાવ્યું હતું કે વાંકાનેર રામપરા વિડી વિસ્તારમાં દીપડાનો વસવાટ છે અને ગઈકાલે દીપડાએ સિંધાવદર સિમ વિસ્તારમાં મારણ કરતા હાલમાં વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને વન વિભાગની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.