અંદાજે 25-30 સેકન્ડમાં એક વ્યક્તિને ડીસઇનફેકટેડ કરી શકાશે વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી અને ઇમરજન્સી કામ અર્થે આવતાં મુલાકાતીઓને ડીસઇનફેકટ કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ના વાંકાનેર સેન્ટરના સહયોગથી સેનિટાઇજેકશન કેબીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદાજે ૨૫ થી ૩૦ સેકન્ડમાં એક વ્યક્તિને ડીસઇનફેકટેડ કરી શકાશે. કોરોના વાયરસના દહેશત વચ્ચે પોલીસ કર્મચારીઓ ઇમરજન્સી સેવામાં લાગ્યા છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓ લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. કોરોનાનો વાયરસ પોલીસ મથકમાં ફેલાય નહીં અને કર્મચારીઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સીટી પોલીસ મથકમાં સેનિટાઇજેકશન કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેબિનમાંથી પસાર થતા લોકોને ડીસ ઇનફેકટ કરવામાં આવશે. આ સેનિટાઇજેકશન કેબિનમાં બે પેડસ્ટલ ફેન મુકવામાં આવ્યા છે. જેની સાથે પાણીની ટાંકી જોડવામાં આવી છે. આ ટાંકીમાં પાણી સાથે એક ટકાના પ્રમાણમાં સોડીયમ હાઇપોકોરાઇડ કેમિકલ મિક્સ કરવામાં આવ્યું છે. આ કેબીન બનાવવા માટે વાંકાનેરના અમિતભાઈ શાહ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ છે.