હેમગીરીબાપુ આશ્રમના ભક્તો દ્વારા ઓક્સિજન પાર્કની અનેરી પહેલ ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષોનો ઉછેર કરાશે ટંકારા : કોરોના મહામારીમાં લોકોને હવે કુદરત તરફથી વિનામૂલ્યે મળતા ઓક્સિજનની કિંમત સમજાઈ છે. ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામના જાગૃત નાગરિકો દ્વારા 20 વિઘા જમીનમાં ઓક્સિજન પાર્ક નિર્માણ કરવાની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. વૈશ્વિક મહામારી કોરોના જેવી પરિસ્થિતિમાં ઓક્સિજન માટે આજે એક બાટલાની કિંમતથી આજે આપણે પરિચિત થઈ ગયા છીએ. રોજબરોજ આપણે જેટલું ઓક્સિજન લઈએ છીએ તેટલા વૃક્ષતો ચોક્કસ ઉછેરીએ તેવા દ્રઢ સંકલ્પ સાથે ટંકારા તાલુકાના બંગાવડી ગામના રહીશ પ્રફુલભાઈ, વિરજીભાઇ, શીવાભાઈ, છગનભાઈ, રણછોડભાઈ તેમજ અન્ય સેવાભાવી ભક્તો અને ગ્રામજનો દ્વારા અંદાજે 20 વીઘા જમીનમાં પૂજ્ય હેમગીરીબાપુ ઓક્સિજન પાર્ક વિકસાવવાનું નક્કી કરતા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના આર્થિક સહયોગ દ્વારા ગામને નંદનવન બનાવી; બાપુનું ઋણ ચૂકવવા અને સાથે નમૂનારૂપ કાર્ય કરવા નક્કી કરવામાં આવ્યું છે. બંગાવડી ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામની અંદર ઓક્સિજન પાર્ક બનાવવાનો સંકલ્પ કરતા ઉદ્યોગપતિ ટીમ દ્વારા ગામનો પુરો સહકાર મેળવી પ્રેરણારૂપ કામગીરીનો બંગાવડીમા પ્રારંભ કરવામાં આવ્યો છે. બંગાવડી ગામમાંથી પ્રેરણા મેળવી દરેક ગામમાં ઓક્સિજન પાર્ક તૈયાર થાય તો આવનાર દિવસોમા પર્યાવરણમાં મોટો બદલાવ આવી શકશે.