ગ્રુપની 20 થી વધુ બહેનોએ દરરોજ વિવિધ વાનગીઓ બનાવી ગરીબ પરિવારો અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને પીરસી: જાન્યુઆરીમાં 51 દીકરીઓના લગ્ન કરાવાશે મોરબી અપડેટ: મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ રસોડું ચલાવવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં દરરોજ 20 થી વધુ બહેનોએ ઉત્સાહભેર જોડાઈને સેવા આપી હતી. ગ્રુપની બહેનો દ્વારા દરરોજ અલગ-અલગ વાનગીઓ તૈયાર કરીને મોરબીના નવલખી રોડ, આવાસ વિસ્તાર, કામધેનું વિસ્તાર, ઘુનડા રોડ અને લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જમાડવામાં આવ્યા હતા.શ્રાવણના સોમવારે વિશેષ વાનગીઓ અને સિવિલ હોસ્પિટલમાં વિતરણશ્રાવણ માસના ચારેય સોમવારે વિશેષ ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં શીરો, દાબેલી, વઘારેલા ભાત, બટાકા પૌંઆ, વઘારેલી ખીચડી, લાડવા-ભાજી, ભૂંગળા-બટાકા, ફરાળી ચેવડો, મિક્સ ચેવડો, ગુંદી-ગાંઠિયા અને પાંઉભાજી જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરીને પીરસવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓ માટે પણ ખાસ શીરો બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ગ્રુપની બહેનોએ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અવિરત સેવા આપીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જઠરાગ્નિને ઠારવાનું પુણ્ય કાર્ય કર્યું હતું.આગામી 2027 માં 51 દીકરીઓના સમૂહલગ્ન યોજવાની જાહેરાતશ્રાવણ માસનો આ સેવા યજ્ઞ પૂર્ણ કર્યા બાદ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સમાજ ઉત્કર્ષના વધુ એક મોટા આયોજનની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 20 જાન્યુઆરી 2027 ના રોજ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓ માટે ભવ્ય સમૂહલગ્ન યોજવામાં આવશે. આ સાથે જ હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ અને આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન પણ દીકરીઓને લ્હાણી વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #UnstoppableWarriorsGroup #SocialService #ShravanMas #Charity #MorbiNews