બે વર્ષ બાદ યોજનાર લોકમેળો માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ભારે ઉત્સાહ, હજારો લોકો મેળામાં ઉમટી પડી પિતૃ તર્પણ કરશે મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના બે દિવસીય પૌરાણિક મેળાનો આવતીકાલે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રારંભ થશે. કોરોના કાળના બે વર્ષ બાદ યોજનાર લોકમેળો માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેળામાં મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરના હજારો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરે આવેલ પ્રાચીન પીપળે પિતૃ તર્પણ કરીને મેળાની મોજ માણશે. મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષ પરંપરા મુજબ આવતીકાલે શુક્રવારથી અમાસના બે દિવસીય પોરોણીક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પૌરાણિક મેળાનો કાલે શુક્રવારે સાંજે શુભારંભ કરાશે. કોરોના કાળના બે વર્ષ બાદ આ મેળો યોજાઈ રહ્યો હોવાથી લોકમેળો માણવા માટે લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ મેળામાં ફજેત ફળકા સહિત મનોરંજનના તમામ સાધનો અને એમ્બ્યુલનસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે શુક્રવારે મેળાના પ્રારંભ બાદ આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે.જોકે આ મેળાની અમાસના દિવસે ખરી રંગત જામશે અને અમાસના દિવસે મેળામાં હાજરો લોકો ઉમટી પડશે. રફાળેશ્વર મહાદેવને વિશેષ શણગાર કરી ધ્વજા ચડાવવામાં આવશે. મેળામાં સ્ટેજ ઉપર સૌરાષ્ટ્ર ભાતીગળ સંસ્કૃતિને ઝાખી કરાવતા કાર્યક્રમો યોજાશે. મેળાની સાથે સૌથી વધુ વર્ષોથી રફાળેશ્વર કુંડમાં અમાસના દિવસે પિતૃ તર્પણનું અનેરું મહાત્મ્ય હોવાથી હજારો લોકો ઉમટી પડીને પિતૃ તર્પણ કરશે.