આપણે બધા જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે. છતાં, પ્રશ્ન એ છે કે આપણે સાચું પગલું કેમ નથી ભરતા?લેખક : સંજય રૈયાણીઘણીવાર જીવનમાં આપણે પરિસ્થિતિને સમજતા હોઈએ છીએ, છતાં એવો રસ્તો પસંદ કરીએ છીએ જેમાં આપણો જ ફાયદો હોય — ભલે તેનાથી સામેની વ્યક્તિને નુકસાન થાય. ક્યારેક સમાજ કે ઓફિસ આવા 'સ્વાર્થી' નિર્ણયોને 'બુદ્ધિશાળી' ગણીને નવાજે પણ છે. આપણને લાગે છે કે આપણે જીતી ગયા, પણ હકીકતમાં આપણે આપણા અંતરાત્માને છેતર્યો છે. પરિણામે, આપણે ઘણું ગુમાવીએ છીએ: આંતરિક શાંતિ અને આપણી પોતાની નજરમાં આપણી કિંમત.અહીં ઘણાના મનમાં સવાલ થશે કે, ' અરે ભાઈ, અમે આખો દિવસ ઓફિસમાં મહેનત કરીને કમાણી કરીએ છીએ, તો શું એ ખોટું છે? તમે પણ તો રાત-દિવસ કામ કરો છો. સીઝન હોય ત્યારે રાતના ચાર-ચાર વાગ્યા સુધી જાગીને કામ કરો છો, તો તમે પણ રૂપિયા જ કમાવ છો ને?'તમારી વાત સો ટકા સાચી છે. મેં ક્યારેય એવું નથી કહ્યું કે મહેનત કરીને કમાણી કરવી કે તમારા હકનું માંગવું એ ખોટું છે. હું પોતે પણ કામ કરું છું અને મહેનતનું વળતર લઉં છું. પણ મારો કહેવાનો અર્થ જરા જુદો છે. જુઓ, મેં 'પૈસા' કમાવાની નહીં, પણ 'રૂપિયા' કમાવાની હિમાયત કરી છે.તમને થશે કે આમાં ફરક શું? 'પૈસા' ગમે તેમ કરીને, કોઈને છેતરીને કે ખોટા રસ્તે ભેગા કરી શકાય, પણ એમ નહી પરતું 'રૂપિયા' કમાવ એ તમારી મહેનત અને નીતિનું ફળ બનાવો, તમારી કમાણી 'Spiritual Money' (નીતિની લક્ષ્મી) હોવી જોઈએ. આગ્રહ માત્ર એટલો જ છે કે તમે જે કંઈ કરો તે સાચા માર્ગે કરો.આજે કોઈ ડોક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને કે IAS ઓફિસર વિગેરે બને — તમે જ્યારે તમારા કાર્યક્ષેત્રમાં હોવ અને તમને સાચા કે ખોટા રસ્તા વચ્ચે પસંદગી કરવાની તક મળે, ત્યારે એકવાર જરૂર વિચારજો. કેવી રીતે કામકાજ કરવું એ તમારી દાનત પર નિર્ભર છે. તમે તમારી ફી ઊંચી રાખો, તમારા જ્ઞાન અને સમયનું પૂરું મૂલ્ય માંગો, એમાં કંઈ જ ખોટું નથી; પણ રસ્તો હંમેશા સાચો પકડો.આજના સ્પર્ધાત્મક સમયમાં કદાચ મારી આ વાત ગળે ન પણ ઉતરે. ઘણા કહેશે, 'આટલું ભણ્યા, હવે કમાવાનો સમય છે, હવે અમને રોકશો નહીં!' આજના સમયમાં ઘરના વડીલો પણ કદાચ આવી સલાહ નથી આપતા, પણ ખરેખર તો આ જ સાચા સંસ્કાર છે જે નવી પેઢીને આપવા જોઈએ. દલીલો તો ઘણી થઈ શકે, પણ મારે એમાં પડવું નથી, કારણ કે જે સાચું છે તે સાચું જ રહેવાનું છે.જો તમે 'કર્મનો સિદ્ધાંત' સમજશો ને, તો તમને મારી વાત પર વિશ્વાસ આવશે.આ યુનિવર્સે (બ્રહ્માંડે) તમને આ જીવનમાં જે આપવાનું નક્કી કર્યું છે — પછી તે ૧ કરોડ હોય કે ૫૦ કરોડ — તે તમને મળવાનું જ છે. પણ, એ રૂપિયા કયા રસ્તેથી લેવા એનું ઓપ્શન કુદરતે તમને ગર્ભિત રીતે આપ્યું છે. કુદરત તમને બે રસ્તા આપે છે: ૧. સાચો અને નીતિનો રસ્તો, ૨. ખોટો અને સ્વાર્થનો રસ્તો.તમારે કયો રસ્તો પસંદ કરવો એ સંપૂર્ણપણે તમારી 'Choice' છે. લક્ષ્મી તો તમારા નસીબની આવવાની જ છે, પણ જો રસ્તો સાચો હશે તો એની સાથે સુખ અને શાંતિ પણ આવશે. નીતિથી મેળવેલી સફળતા પેઢીઓ સુધી ટકી રહે છે. નક્કી તમારે કરવાનું છે: તમારે માત્ર બેંક બેલેન્સ વધારવું છે કે તમારી પોતાની નજરમાં તમારી કિંમત વધારવી છે?અંતે તો આપણને શું જોઈએ છે? શાંત ઊંઘ અને સ્વ-સન્માન. તે ત્યારે જ આવે જ્યારે તમે કહી શકો કે — 'મેં સાચું કામ કર્યું છે.' તેથી 'Win-Win' પરિસ્થિતિ ઊભી કરો. એવી રીતે વર્તો કે તમે લાયક બનો — તમારી પોતાની નજરમાં અને તમારા પોતાના જીવનમાં.એ જ સાચી સફળતા છે. એ જ સાચું નેતૃત્વ છે. એ જ સાચો વિજય છે.– સંજય રૈયાણી(સભાન અને વિચારશીલ જીવન)