ગામડામાં વિકાસનાં કામોમાં સરપંચની બાદબાકી : ૧૫મા નાણાં પંચની ગ્રાન્ટ ફાળવણીમાં અણઘડ આયોજન સામે સરપંચો લાલઘુમ હળવદ : ગ્રામ પંચાયતોના સરપંચની સતા ઉપર તરાપ મારવાની સાથે અધિકારીઓ દ્વારા સરપંચને સાઈડ લાઈન કરી ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત અણઘડ આયોજન કરવાની સાથે વિકાસના કામમાં વિલંબ થતો હોવાની રાવ કરી હળવદ તાલુકાના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હળવદ તાલુકાના ૭૧ ગામોના ગ્રામ પંચાયતના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે 15મા નાણાપંચની વહીવટી મંજૂરી સમયસર ન મળતાં હળવદ તાલુકાના તમામ ગામોમાં વિકાસના કામોમાં રુકાવટ આવી છે જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે સાથે જ સરપંચને ગ્રામજનો અવારનવાર રજૂઆત પણ કરતા હોય છે પરંતુ અમે કોઇપણ જાતનો જવાબ આપી શકતા નથી. વધુમાં જે તે ગામોમાં ક્યાં વિકાસ કામો કરવા છે તે સરપંચને પૂછવામાં આવતું નથી, ઉપરાંત સીસીરોડ અને સિમેન્ટ બ્લોકના કામો બંધ કરાવી માત્રને માત્ર પાઈપલાઈન નાખવાના કામો જ આયોજનમાં લેવાઈ રહ્યા હોવાનો આરોપ સરપંચોએ લગાવ્યો છે. તદઉપરાંત તાલુકાના જે તે ગામોમાં રાજ્ય સરકાર દ્વારા ભૂકંપ સમયે તથા ડેમ બનાવ્યાના સમયે જે તે ગામને અલગ કરવાથી સરકાર તરફથી મળેલ પ્લોટમાં મકાન પણ બનાવી નાખ્યા હોય પરંતુ હજુ સુધી સનદ પણ આપવામાં આવેલ નથી આમ તાલુકાના તમામ ગામોમાં વિકાસના કામો તેમજ ઉપર મુજબ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના પણ મંડાણ કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..