આવતીકાલ સાંજ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ફરી ચક્કાજામ કરવાની મહિલાઓની ચીમકીમોરબી : મોરબીમાં આજે સાંજના સમયે કાલિકા પ્લોટના સ્થાનિકોએ રવાપર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. અંદાજે પોણો કલાક સુધી ચક્કજામ રહ્યા બાદ મહાપાલિકાના અધિકારીઓએ સ્થળ ઉપર આવી ખાતરી આપતા ચક્કાજામ હટ્યો છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગટર સતત ઉભરાઈ રહી છે. ઘરોમાં બાથરૂમ અને ટોઇલેટમાંથી ગટરના પાણી નીકળી રહ્યા છે. આ ઉપરાંત રોડ ઉપર પણ આ પાણી એમનમ પડ્યા રહેતા હોય મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. જેને કારણે રોગચાળો ફેલાઈ તેવી સ્થિતિ ઉદભવી છે. પરિણામે સ્થાનિકોએ આજે સાંજે રવાપર રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામને પગલે મહાપાલિકાના અધિકારી પિયુષ મકવાણા સહિતના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાનિકોને આવતીકાલથી કામ શરૂ કરવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો અને સ્થાનિકોએ ચક્કજામ હટાવ્યો હતો. બીજી તરફ સ્થાનિક મહિલાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો આવતીકાલે સાંજ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ફરી ચક્કાજામ કરવામાં આવશે.