મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને પી.જી. પટેલ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ નવલખી રોડ પર આવેલા રણછોડનગર સોસાયટીના કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિર ખાતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.આ સમૂહ લગ્નોત્સવ ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, કારોબારી સમિતિના સભ્યો ચંદ્રકાંતભાઈ દફતરી, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, બાલુભાઈ કડીવાર, રણછોડભાઈ કૈલા તેમજ મહંત બાબુભાઈના પ્રયત્ન અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા સામાન્ય પરિવારની દીકરીઓને સમાજના દાતાઓના આર્થિક સહયોગથી આશરે ૮૦ થી ૯૦ જેટલી જીવનજરૂરી વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી.આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાતાના શિષ્યા અને વિખ્યાત કથાકાર ૧૦૦૮ રતનદેવીએ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, દીકરીઓ બંને ઘરની લક્ષ્મી છે અને દીકરા કુળદીપક છે. શારદાબેન આદ્રોજા તથા ટી.સી. ફુલતરિયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દીકરીઓ તો બંને ઘરનો તુલસી ક્યારો છે, પિતાની પરી અને સસરાના ઘરની લક્ષ્મી છે. આ ઉપરાંત એક દાતા દ્વારા દરેક દીકરીઓને ગીતાજીનું પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ અર્પણ કરી સનાતની ભાવના અને સંસ્કૃતિનું સિંચન કરવામાં આવ્યું હતું.આ પાવન અવસરે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સભ્યો લા. મણીલાલ જે. કાવર, જયેશભાઈ ઓરિયા તથા વિનુભાઈ ભટ્ટ તેમજ પાટીદાર વુમન્સના કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા અને અનસ્ટોપેબલ ગ્રુપના બહેનોએ વિશેષ હાજરી આપીને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં મહંત બાબુભાઈ અને તેમની સેવાકીય ટીમે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ તમામ સ્વયંસેવકોના સાથ સહકારથી કર્યું હતું.#Morbi #MorbiUpdate #SamuhLagnotsav #LionsClubMorbi #SocialWork #GujaratNews