તાલુકા પોલીસે રાજપર ગામેથી શિક્ષક પુત્રને શોધી કાઢી પરિવારને સોંપી દીધો મોરબી : મોરબીમાં શિક્ષક પુત્ર અચાનક લાપતા થયા બાદ રાજપર ગામેથી હેમખેમ મળી આવતા તેના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. જો કે, તાલુકા પોલીસે રાજપર ગામેથી શિક્ષક પુત્રને શોધી કાઢી પરિવારને સોંપી દીધો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદેવભાઈ ડાંગરનો પુત્ર અર્જુન રામદેવભાઈ ડાંગર આજે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ લાપતા થઈ ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરીને લાપતા થયેલા શિક્ષક પુત્રના ફોટા સાથે મેસેજ સોશ્યલ નિડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજપર બીટના મોરબી તાલુકા પોલીસ મથકના નેહલબેન ગઢવી અને લક્ષમણભાઈ ચાવડાને રાજપર ગામે આવેલ અવાવરૂ મકાનમાં એક છોકરો શંકાસ્પદ હાલતમાં બેઠો હોવાનું દેખાતા તેઓએ તેની પૂછપરછમાં લાપતા થયેલો શિક્ષક પુત્ર અર્જુન હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે પૂછપરછ કરતા અર્જુને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હોવાનું તેમજ કોઈ બાબતે વાંધો પણ ન હોવાનું જણાવ્યું હતું. આથી તાલુકા પોલીસે તેના માતાપિતાને બોલાવીને પુત્રને સોંપી દીધો હતો.