ટંકારા મામલતદાર કેતન સખીયા અને તેમની ટીમે 100 જેટલા જોખમી ગેરકાયદે હોર્ડિંગ્સ ઉપર જેસીબી ફેરવ્યું મોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર સરકારી જમીનને પોતાના પૂર્વજોની મિલકત સમજી ઠેકઠેકાણે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ ઉભા કરી દેનાર જાહેરખબર એજન્સીઓના મોતના માચડા સમાન હોર્ડિંગ્સ ઉપર અંતે આજે રેવન્યુ તંત્રએ હથોડો વીંઝી જેસીબી ફેરવી દઈ 100 જેટલા આવા હોર્ડિંગ્સ જમીન દોસ્ત કરી નાખ્યા હતા. મોરબી જિલ્લામાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઇવે ઉપર ઠેકઠેકાણે ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવા તાકીદ કરી હોવા છતાં પણ માત્રને માત્ર કમાઈ લેવા માટે જે તે ગામના સરપંચને ફોડી સરકારી જગ્યામાં હોર્ડિંગ્સ ઉભા કરી લેનાર જાહેરખબર એજન્સીઓએ તંત્રની સુચનાને ગણકારી ન હતી. બીજી તરફ સમગ્ર મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચતા આજે જિલ્લા કલેકટર દ્વારા હાઇવે ઉપરના આવા તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ ઉખાડી ફેંકવા આદેશ જારી કરતા ટંકારા મામલતદાર કેતન સખીયા અને તેમની ટીમે જેસીબી રૂપે હથોડો વીંઝી મોરબી - રાજકોટ હાઇવે ઉપર આવેલ અંદાજે 100થી વધુ મહાકાય મોતના માચડા ઉખાડી ફેંકી સરકારી જમીનને બાપુજીનો બગીચો સમજનાર હોર્ડિંગ્સના પાટિયા ઉભા કરનાર જાહેર ખબર એજન્સીના સંચાલકોને શાનમા સમજી જવાનો સંદેશો આપી દીધો હતો.