કદાચ જો ખુલ્લા નાલા કે કુંડીઓ માટે એક અઠવાડિયામાં એક દિવસ ફાળવ્યો હોત તો માસૂમ બાળક આજે હયાત હોતમોરબી : મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. હવે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવાની જેમ મહાપાલિકાના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ કુંડીની મુલાકાત લીધી છે. કદાચ અઠવાડિયામાં એક દિવસ આવી ખુલ્લી કુંડી કે નાલા માટે ફાળવ્યો હોત તો આ માસૂમ બાળક હયાત હોત.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે સેન્ટમેરી સ્કૂલના દરવાજા સામે નાલાની ખુલ્લી 8x8 ફૂટની જીવલેણ કુંડી આવેલ છે. આજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં રવિ સનાભાઈ નાયક (ઉ. વ. 6) રહે. નવલખી રોડ લક્ષ્મી નારાયણ સોસાયટી આ કુંડીમાં પડી ગયો હતો. આ કુંડીમાં ગંદુ પાણી અને કચરો હતો. બાળક કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે.આ બનાવને પગલે ડે. કમિશ્નર સંજય સોની, સિટી ઇજનેર હિતેશ આદ્રોજા સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ મહાપાલિકા દ્વારા દર અઠવાડિયે સફાઈ, ડીમોલેશન સહિતની ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે જે સરાહનીય બાબત છે પણ રોડ-રસ્તા ઉપર જે જીવલેણ ખાડાઓ, ખુલ્લી કુંડીઓ અને ખુલ્લા નાલા છે તેના માટે પણ અઠવાડિયામાં એક દિવસની ઝુંબેશ જો કરી હોત તો આ બાળક જીવતો હોત. ઉપરાંત અનેક જગ્યાએ જે લોકો જીવલેણ ખાડાઓ અને ખુલ્લી કુંડીઓના કારણે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે તે પણ અકસ્માતથી બચી ગયા હોત.