મોરબી જિલ્લા કલેકટર સ્થાનિક સ્વરાજ ચૂંટણીતંત્ર શાખાના કાના ડૂલ, ગ્રામપંચાયતી ચૂંટણી ટાણે જ પતંગ ગોથે ચડી માળીયા તાલુકામાં ગામડાઓની સંખ્યા કરતા પણ વધુ ગામોમાં ચૂંટણી !!! ટંકારામાં ગામડા ઘટી ગયા : સંકલનનો સદંતર અભાવ મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓને બિનખેતી,હથિયારના લાયસન્સ જેવા વહીવટમાં કુશળતા પ્રાપ્ત થયા બાદ ચૂંટણી જેવી રાષ્ટ્રીય કામગીરીમાં રસ ન હોય તેવી સ્થિતિ છેલ્લા ચાર દિવસથી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં આવતીકાલે ફોર્મ ભરવાની મુદતનો છેલ્લો દિવસ છે છતાં જિલ્લાની કેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા આંકડો સ્પષ્ટ કરી શકી નથી. પ્રથમ દિવસે ફોર્મ ભર્યાના આંકડામાં 314 પંચાયત દર્શાવ્યા બાદ બીજા દિવસે 313, ત્રીજા દિવસે 307 અને છેલ્લે ઘટીને 303 ગામોમાં ચૂંટણી થનાર હોવાના પત્રક રજૂ કરાયા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે માળીયા તાલુકામાં કુલ મળીને ફક્ત 44 ગામ જ હોવા છતાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના બાહોશ અને એવોર્ડ આપી શકાય તેવા નાયબ મામલતદારે 66 ગામોમાં ચૂંટણી થનાર હોવાનું સત્તાવાર પત્રકમાં દર્શાવ્યું છે જેમાં અધિક જિલ્લા કલેકટરની સહી પણ મોજુદ છે. મોરબી જિલ્લા કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ ચૂંટણી શાખાના નાયબ મામલતદાર જાણે ચૂંટણી પંચના વડા હોય તેમ રોજે - રોજ જિલ્લામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત જે ગામોમાં ચૂંટણી થવાની છે તેની સંખ્યામાં ફેરફાર કરી રહ્યા છે અને ગંભીર બાબત એ છે કે ચૂંટણીશાખાના નાયબ મામલતદાર આવા ઢંગધડા વગરના પત્રકો રજૂ કરે છે તેમાં અધિક કલેકટર આંખો મીંચી સહીઓ પણ કરી દે છે.શરૂઆતના તબબકે ચૂંટણી જાહેર થતા જ સ્થાનિક સ્વરાજ ચૂંટણી શાખાએ જિલ્લાના 314 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે અને બીજા જ દિવસે એટલે કે તા. 29 નવેમ્બરે જિલ્લાના 313 ગામોમાં ચૂંટણી યોજવાનું કહી આ દિવસે મોરબીના 87 ગામ, ટંકારાના 35 ગામ, હળવદના 42 ગામ, વાંકાનેરના 83 ગામ અને માળિયાના 66 ગામમાં ચૂંટણી યોજવાનું પત્રક જાહેર કર્યું હતું. દરમિયાન તા.1 ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ ચૂંટણી નાયબ મામલતદારે ગુલાંટ લગાવી 307 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવનાર હોવાનું જાહેર કરી મોરબીના છ ગામ ઘટાડી નાખી 81 ગામ, ટંકારાના 35 ગામ, હળવદના 42 ગામ, વાંકાનેરના 83 ગામ અને માળિયાના 66 ગામમાં ચૂંટણી યોજવામાં આવશે તેવું અધિક કલેકટરની સહી વાળું પત્રક મીડિયા સમક્ષ રજુ કરી ફોર્મ ભરાયા અંગેની માહિતી મોકલી હતી. આટલું ઓછું હોય તેવામાં તારીખ 2 ડિસેમ્બરના રોજ બેસ્ટ ચૂંટણી અધિકારીનો એવોર્ડ એનાયત કરી શકાય તેવા મહિલા નાયબ મામલતદારે ચૂંટણીપંચને પણ ચક્કર આવી જાય તેવો ડેઇલી ફોર્મ ભરાયા અંગેનો રિપોર્ટ મીડિયા સમક્ષ રજુ કર્યો જેમાં 303 ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે જેમાં મોરબીના 81 ગામ, ટંકારાના સાત ગામનો વધારો કરી 42 ગામ, હળવદ તાલુકામાં 20 ગામના વધારા સાથે 62 ગામ, વાંકાનેરના 83 ગામ અને માળિયા તાલુકાના 31 ગામોનો ઘટાડો કરી 35 ગામમાં ચૂંટણી યોજાશે તેવો સત્તાવાર આંકડો રજુ કરાયો છે. નવાઈની વાત તો એ છે કે રાજ્યનું ચૂંટણી પંચ પણ આવી ગંભીર બાબત પ્રત્યે જરાય ગંભીર ન હોય તેવી સ્થિતિ વચ્ચે વહીવટી કાર્યમાં નિપુણ ચૂંટણી શાખાના કરતૂતો ઉપર આંખ મીંચામણાં કરી રહી હોવાની છાપ ઉપસી રહી છે ત્યારે જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેકટર પણ આવી બાબતો પ્રત્યે લોલંલોલ ચલાવી રહ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..