કલેક્ટરની અધ્યક્ષતામાં આગેવાનો સાથે બેઠક કરી 121 કર્મચારીઓને બોનસ, પગાર સ્લીપ અને હક્ક રજા આપવાની ખાતરી અપાઈમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓએ વિવિધ માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી. પણ તંત્ર દ્વારા તેઓની માંગ સંતોષવાની ખાતરી આપવામાં આવતા સફાઈ કર્મીઓએ હડતાલ સમેટી લીધી હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલના 121 જેટલા સફાઈ કર્મચારીઓને પગાર સ્લીપ, બોનસ અને હક્ક રજાઓ મળતી ન હોય જ્યાં સુધી માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ પાડવાનું એલાન આપી દરરોજ કલેકટર કચેરીએ ધરણા ઉપર બેસવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત ત્યાં સુધી માત્ર પ્રવાહી જ લેશે અનાજનો ત્યાગ કરશે તેવું પણ એલાન આપ્યું હતું. આ મામલે સિવિલ અધિક્ષક ડો.દુધરેજીયાએ જણાવ્યું કે કલેકટરે મોડી સાંજે તેઓની સાથે તેમજ એજન્સીના સંચાલક અને સફાઈ કર્મીના આગેવાનો સાથે બેઠક કરી અને સમાધાન કરી હડતાલનો અંત લાવ્યો છે. તેઓની તમામ માંગ સંતોષવાની ખાતરી આપવામાં આવી છે.જેથી હડતાલ સમેટાઈ ગઈ છે. નાઈટ શિફ્ટના કર્મચારીઓ તેની ફરજ ઉપર હાજર પણ થઈ ગયા છે.