અભ્યાસાર્થે જતા અનેક વિદ્યાર્થીઓ રઝળતા રંગપર પાસે ઘટીલા રૂટની બસ રોકી : ડેપો મેનેજર - ડીસીએ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા રોષ મોરબી : ખખડધજ ડબ્બાઓ જેવી બસો ધરાવતા મોરબી એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટની બસને ગમે ત્યારે રદ્દ કકરી નાખવામાં આવતી હોય ખાસ કરીને અભ્યાસાર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં આજે જીવાપર ચકમપર રૂટની બસ રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રંગપર પાસે ઘટીલા રૂટની બસ રોકી રોષ ઠાલવ્યો હતો. જો કે, બસ રદ્દ થવા મામલે ડેપો મેનેજર - ડીસીને ફોન કરવા છતાં અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા રોષ બેવડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીવાપર - ચકમપર રૂટ ઉપરથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોરબી આવતા હોય દરરોજ જીવાપર ચકમપર રૂટની બસમાં અપડાઉન કરતા હોય છે પરંતુ આજે જીવાપર - ચકમપર રૂટની બસ કોઈ કારણોસર રદ્દ કરી નાખવામાં આવતા અભ્યાસ માટે મોરબી આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય રૂટની બસ રદ્દ થતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રંગપર પાસે ઘાટીલા રૂટની બસ રોકી અન્ય બસ મુકવાની માંગ કરી ગુસ્સો ઠાલવ્યો હતો. સાથે જ બસની અનિયમિતતા અંગે વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર અને ડીસીને રજુઆત કરવા મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કરતા અધિકારી બાબુઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.