ગુમસુધા બાબતના સમાચારો ખરાઈ કર્યા બાદ પ્રસિદ્ધ કરવા પોલીસની અપીલ મોરબી : મોરબીમાં 30 ઓક્ટોબરે ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ એક જાણીતા અખબારમાં બોટાદનો વતની યુવાન લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતા આ મામેલ પોલીસે તપાસ કરતા યુવાન તેમના વતનમાં હેમખેમ હોવાનું બહાર આવ્યું છે અને આ મામલે સમાચાર પ્રસિદ્ધ કરાવનારની પણ પોલીસે પૂછપરછ કરી છે. મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ યાદી મુજબ તા.2ના રોજ પ્રસિદ્ધ થયેલ દિવ્યભાસ્કર અખબારમાં જયદેવસિંહ ઉર્ફે ખોડુભા ધર્મેન્દ્રસિંહ વાળા રહે. નિંદાળા, તા. ગઢડા, જિલ્લો બોટાદ વાળો યુવાન મોરબી પુલ ઉપર ફરવા આવ્યા બાદ લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે બાબતે મોરબી પોલીસે તપાસ કરતા આ યુવાન તેમના વતનમાં સલામત હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ આ સમાચાર મોરબીના શક્તિસિંહ વાળાએ પ્રસિદ્ધ કરાવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે આ યુવકની પૂછપરછ કરતા સમાચાર ખોટા છપાવ્યા હોવાની કબૂલાત આપી હતી. આ સંજોગોમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મીડિયા, પત્રકારોને ઝૂલતા પુલ દુર્ઘટનામાં લાપતા, ગુમ થયેલ વ્યક્તિ અંગેના સમાચારો તંત્ર સાથે ખરાઈ સંકલન બાદ જ પ્રસિદ્ધ કરવા અનુરોધ કરાયો છે.