પોણા નવ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં મચ્છુ જળહોનારતથી લઈ કોરોના મહામારી સુધીની વાતો વણી લેવાઈ : પત્રકાર ચંદ્રેશ ઓધવીયાના જન્મદિવસે લોન્ચ થઈ દાસ્તાન એ મોરબી મોરબી : મચ્છુ કાંઠોને મોરબી.... વચમાં આવે વાંકાનેર.... આજકાલ મોરબી શહેર સિરામીક ઉદ્યોગને લઈ સમગ્ર દેશમાં જ નહિ બલ્કે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું છે. પરંતુ આ મોરબી શહેરે કુદરતની કારમી થપાટો ખાવા છતાં ક્યારેય હાર નથી માની. મચ્છુ જળહોનારત હોય કે ભૂકંપ હોય કે પછી કાળ બનીને ત્રાટકેલ કોરોના હોય ગઢ ઢેલડી નગરે હંમેશા કુદરત સામે બાથ ભીડી જીત જ મેળવી છે અને આ જીતની વાતને મોરબીના ત્રણ મિત્રોએ ચિત્રાંકન કરી દાસ્તાન એ મોરબી ડોક્યુમેન્ટરી ફિલ્મમાં અદભુત રીતે કંડારી છે. રાજાશાહી સમયનો સમૃદ્ધ વૈભવી વારસો ધરાવતા મોરબીએ વર્ષ 1979માં મચ્છુ હોનારત રૂપી કાળની થપાટ ખાધી કારમો ઘા સહન કર્યો છે. તો વર્ષ 2001માં ભૂકંપમાં સર્વસ્વ ગુમાવ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે પણ હાર નહિ માની બમણા જોશથી સિરામીક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી અમેરિકાથી લઈ આફ્રિકા સુધી છવાઈ જઈ ચીનને પણ ધોબી પછડાટ આપી છે. આ બધા વચ્ચે વર્ષ 2021માં છેલ્લે છેલ્લે બાકી હતું તો કોરોના મહામારીની બીજી લહેરમાં મોરબીમાં હોસ્પિટલો ટૂંકી પડતા ટપોટપ મરતા માનવીઓને બચાવવા સેવાભાવી સંસ્થાઓ અને અહીંના ઉદ્યોગપતિઓએ માનવતા મહેકાવી કોરોનાને મહાત કરવામાં સફળતા મેળવી છે. ત્યારે મોરબી સાથે ઈશ્વરે ખેલેલા ખેલને સહીને બમણા જોશથી હરવખતે ઉભા થતા મોરબીના લોકોની દસ્તાનને કેમેરે કંડારી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો વિચાર આવતા જ જીએસટીવીના રિપોર્ટર ચંદ્રેશ ઓધવિયા, વડોદરાથી સિરામીક પ્રોડક્ટના માર્કેટિંગ માટે મોરબી સ્થાયી થયેલા સાહિત્ય પ્રેમી અજિત કાલરીયા અને રિતેશ સંચાણિયા નામના ત્રણેય મિત્રોએ અનોખા અંદાજમાં પોણા નવ મિનિટની સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મનું સર્જન કરી મોરબીની જીંદાદિલીને હૂબહૂ વર્ણવી છે અને મજાની વાત તો એ છે કે જીએસટીવીના રિપોર્ટર ચંદ્રેશ ઓધવિયાના જન્મદિવસના અવસરે આ ડોક્યુમેન્ટરી ફિલ્મને લોન્ચ કરવામાં આવી છે અને લોકોને આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ખૂબ જ પસંદ પણ પડી છે. https://www.youtube.com/watch?v=vm9yUjCQTUI મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..