સોનીની દુકાનમાંથી અઢી લાખના ઘરેણાં ચોરી જનાર મહિલાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે કુનેહપૂર્વક આ બનાવનો ભેદ ઉકેલ્યો મોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી સોની બજારની એક સોના ચાંદીના ઘરેણાંની દુકાનમાંથી બે મહિલાઓ સોનું ખરીદવા બહાને વેપારીની નજર ચૂકવીને અઢી લાખની કિંમતના ઘરેણાં ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બન્ને મહિલાઓની ભાળ મેળવતા ગઈકાલે ચોરીના ઘરેણાં વેચવા માટે મોરબીની બજારમાં આવતા બન્ને મહિલાઓ પોલીસની હાથે ઝડપાઇ ગઈ હતી. મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સ બ્લોક નં 103માં રહેતા અને મોરબીના નહેરુ ગેઇટ અંદર સોની બજારમાં આવેલ અંબાજી જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા અને તેમના કાકા અલ્કેશભાઈ રવેશિયા ગત તા.15ના રોજ પોતાની દુકાને વેપાર કરતા હતા. ત્યારે બે મહિલાઓ સોનાની બુટી ખરીદવાના બહાને આ દુકાને જઈને વેપારીને સોનાની બુટી દેખાડવાનું કહ્યું હતું. આથી વેપારીએ સોનાની બુટીનું આખું બોક્સ કાઉન્ટર ઉપર બતાવ્યું હતું. પણ બન્ને મહિલાઓ સોનાની બુટીઓ જોઈ ખરીદી કર્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી. પાછળથી વેપારીને કાઉન્ટર પર રાખેલું અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ ન દેખાતા તેઓ હાફળા ફફળા બનીને દુકાનના સીસીટીવી ચેક કરતા આ બન્ને મહિલાઓ ચોરી છુપીથી અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ ઉઠાવી ગઈ હતી. આથી હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસ હરકતમાં આવી હતી. મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ. એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજદીપસિંહ રાણા, હિતેશભાઈ ચાવડા, તેજાભાઈ ગરચર, સિદ્ધરાજભાઈ લોખીલ સહિતનાએ આ દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે બન્ને મહિલાઓની ભાળ મેળવી હ્યુમન સોર્સીસની મદદથી સઘન તપાસ કરતા બન્ને મહિલા દરબાર ગઢ પાસે જ ચોરી કરેલા ઘરેણાં વેચવા માટે આંટા મારતી હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં જઈને આરોપી મહિલા રજીયાબેન મયુદિન ખલીફા (રહે ભવાનીનગર ઢોરા, રામાપીરના ચોક પાછળ હળવદ) અને મરસજીનાબેન ઉર્ફે મુસ્કાનબેન ઇલમદિનભાઈ ઉર્ફે બાબુભાઈ ખલીફા (રહે મોરબી ચોકડી પાસે સાંદિપની સ્કૂલ પાછળ,શ્રીનગર સોસાયટી, હળવદ)ને તમામ ચોરાઉ ઘરેણાં સાથે ઝડપી લીધી હતી. જો કે પોલીસની ત્વરિત કાર્યવાહીથી ચારીના દાગીના વેચાય એ પહેલાં તમામ દાગીનાના મુદામાલ સાથે બન્ને આરોપી મહિલા ઝડપાઇ જતા સોની વેપારીને પોતાનો માલ પરત મળ્યો છે.