ગ્રાહકો પાસેથી નાણાં લઈ દાગીના વેચ્યા પણ ચોપડે જમા ન કર્યા : ટાટા કંપનીના થર્ડ ઓડિટ સ્ટાફની પણ સંડોવણીની શંકા મોરબી : મોરબી નહીં બલ્કે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જાય તેવી એક ઘટના મોરબીમાં સામે આવી છે, દલા તરવાડીની વાર્તા જેવા કિસ્સામાં મોરબીમાં આવેલ ટાટા કંપનીના તનિષ્ક શોરૂમના સ્ટાફે મિલાપીપણું કરી રૂપિયા અઢી કરોડના દાગીના બરોબર વેચી મારવાની સાથે બે કર્મચારીઓએ તો તનિષ્કનાં દાગીના બઠાવી લઈ ફાયનાન્સ કંપનીમાંથી સોનાના દાગીના ઉપર ધિરાણ પણ મેળવી લીધાનું સામે આવ્યું છે, જો કે આ બન્ને કર્મચારીઓએ રોકડા નાણાં આપી આ દાગીના પરત છોડાવી લેતા હાલમાં રૂપિયા 1 કરોડ 56 લાખ 14 હજારની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે, સાથે જ આ અજબ-ગજબ છેતરપિંડીની ઘટનામાં ટાટા કંપનીના થર્ડ પાર્ટી ઓડિટરની પણ સંડોવણી સામે આવતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.ચકચારી આ ઘટનાની વિગત જોઈએ તો મોરબીમાં તનિષ્ક શોરૂમની ભાગીદારીમાં ફ્રેન્ચાઈજી ધરાવતા વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયા, રહે.મોરબી રવાપર લીલાપર રોડ, પ્લેટીનીયમ હાઇટસ વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના શોરૂમમાં બે મેનજરની જગ્યા હોય અને એક જગ્યા ખાલી હોવાથી નવા બીજા મેનેજર તરીકે રાજકોટના પરિમલભાઈની નિમણુંક કરવામાં આવતા સ્ટોકની ગણતરી કરતા સ્ટોકમાં 2,53,16,000ની કિંમતના નાના મોટા 104 દાગીના ઓછા હોવાનું સામે આવતા ટાટા કંપનીને જાણ કરી તમામ સ્ટોક લેવામાં આવતા છેલ્લા બે વર્ષ દરમિયાન તેઓના મોરબીના તનિષ્ક શોરૂમમાંથી જવાબદાર સ્ટાફ દ્વારા જ ઉચાપત કરવામાં આવી હોવાનું સીસીટીવી અને સ્ટાફની પૂછપરછમાં બહાર આવ્યું હતું.વધુમાં તનિષ્ક મોરબીના શોરૂમમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી રહે.મોરબી પંચાસર રોડ શીવ સોસાયટી, બુટિક સેલ્સ ઓફિસર ધવલ અલ્પેશભાઇ પટની રહે.મોરબી ગ્રીનચોક પાસે, દાગીના રીપેર કરવાની કામગીરી કરતા આશીષ ગુણવંતભાઇ રહે.મોરબી, રિટેઇલ ઓફિસર ઇરફાન સાદીકભાઇ વડગામા રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક-૧ સલીમ મસ્જીદ પાસે અને ભાવના પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી વાળાઓએ મિલાપીપણું આચરી છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલી આ ઉચાપત દરમિયાન આ સમગ્ર દાગીનાઓ બરોબર વેચી માર્યા હોવાનું તેમજ એક ગ્રાહકને દાગીના વેચ્યા બાદ ભાંડો ફૂટી જવાની બીકે દાગીના પરત મંગાવી શોરુમમાં રાખી બાદમાં આજદિન સુધી દાગીના પરત નહીં આપ્યાનું સામે આવ્યું હતું.ચોંકાવનારી વાત તો એ છે કે, મોરબીના તનિષ્ક શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટીએ શોરૂમમાંથી દાગીના મેળવી લઈ બાદમાં મુથુટ ફાઇનાન્સ અને આઇઆઇએફએલ ફાયનાન્સમાંથી 29,21,999ની તેમજ રિટેઇલ સેલ્સ મેનેજર ઈરફાન વડગામાએ 13,75,000ની લોન લીધાનું કબુલતા લોન ભરપાઈ કરાવી આ દાગીના પરત મેળવ્યા હતા. જો કે, આમ છતાં પણ હજુ 1,56,14,000ના દાગીનાનો હિસાબ મળતો ન હોય ગ્રાહકો પાસેથી રોકડા લઈ દાગીના બરોબર વેચી મારી કંપનીમાં પૈસા જમા ન કરાવ્યાનું ખુલતા મહિલા સહીત પાંચેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી આચરવા મામલે ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે, મોરબીના તનિષ્ક શોરૂમના પાંચેય કર્મચારીઓએ એકસંપ કરી ગોલ્ડ હાર્વેસ્ટ સ્કીમમાં નાના રોકનાર ગ્રાહકો સાથે પણ છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે, સાથે જ છેલ્લા બે વર્ષથી મોરબીના કર્મચારીઓ ગોલમાલ કરતા હોવા છતાં પણ ટાટા કંપની તરફથી દર બે કે ત્રણ મહિને કરવામાં આવતા થર્ડ પાર્ટી ઓડિટમાં પણ ગરબડ ગોટાળા બહાર આવ્યા ન હોય આ અગાઉ થર્ડ પાર્ટી ઓડિટ કરી બધું બરાબર હોવાનો રિપોર્ટ આપનાર ઓડિટર રીન્કુ ભાટિયા અને હિરલ કનોજિયા સામે પણ આશંકા વ્યક્ત કરવામાં આવતા સમગ્ર બનાવ મામલે પોલીસે પાંચ આરોપીઓની નામજોગ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા ચકચાર જાગી છે.