શિવરાત્રીનો મેળો,ભંડારો તમામ જાહેર કાર્યક્રમો રદ : શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજા અર્ચના, દર્શન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીમાં આવતીકાલે ભગવાન ભોળાનાથની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.જો કે કોરોના મહામારીને લઈને શિવાલયોમાં ભીડ ન થાય તે માટે જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે.પણ રફાળેશ્વર મંદિરે શોભાયાત્રા અને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવ મંદિરોમાં તકેદારી રાખીને માત્ર પૂજા અર્ચના,દર્શન આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. મોરબીના તમામ શિવ મંદિરોમાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિતે બમ બમ ભોલેનો નાદ ગુંજશે. શિવ ભક્તો એકટાણા ઉપવાસ કરીને સવારે શિવાલયોમાં દર્શને જઈને શિવલિંગને બીલીપત્ર, દુગ્ધાભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરીને કૃતાર્થ થશે.જો કે કોરોના મહામારીનો લઈને શિવ મંદિરોમાં ભંડારા સહિતના મોટાભાગના જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.ત્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા મુજબ ખોડાભાઈ જગાભાઈ પાસિયાના પરિવાર દ્વારા આવતીકાલે શિવરાત્રી નિમિતે ટેનના નિવાસસ્થાનેથી પરંપરાગત શોભાયાત્રા નીકળશે અને રફાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને બાવન ગજની ધજા ચડાવામાં આવશે અને ભગબન ભોળનાથની આરતી કરીને પૂજા અર્ચના કરાશે. તમામ શિવ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન સાથે ભક્તો દર્શનનો લાભ લઇ શકશે.શિવ મંદિરોમાં શિવરાત્રીએ સવાર સાંજ ઉપરાંત ચાર પહોરની આરતી એટલે રાત્રે 10 વાગ્યે, 12 વાગ્યે, બે વાગ્યે અને 4 વાગ્યે આરતી કરવામાં આવશે. અગનેશ્વર મંદિરે ભંડારો રદ કરાયો છે.પણ આ મંદિરે ચાર પહોરની આરતી કરવામાં આવશે.આ ઉપરાંત શોભેશ્વર મંદિરે શંકર ભગવાનને વિશેષ શ્રુગ્રાર કરવામાં આવશે અને ચાર પહોરની તથા સવાર-સાંજની આરતી કરવામાં આવશે.શંકર આશ્રમે લઘુરુદ્ર અભિષેક, ધ્વજારોહણ, ધૂન-ભજન સહિતના કાર્યક્રમો અને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે.સાથેસાથે સેનીટાઈઝેશન અને ટેમ્પરેચર ગનની વ્યવસ્થા કરવામાં આવી છે.ભક્તોને સેનીટાઈઝેશન કરી અને ટેમ્પરેચર માપ્યા બાદ જ મંદિરમાં દર્શન કરવા જવા દેવાશે. કુબેરનાથ મંદિરે વિશેષ શણગાર તેમજ સવાર-સાંજ આરતી કરવામાં આવશે.