એસઓજી ટીમે હથિયાર આપનાર સામે પણ કાર્યવાહી કરી મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે હથિયાર પરવાનો ન ધરાવતા હોવા છતાં વોટ્સએપ સ્ટેટ્સમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવનાર શખ્સ તેમજ તેને હથિયાર આપનાર લાયસન્સ ધારક વિરુદ્ધ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સોશિયલ મીડિયા ઉપર બારીકાઈથી નજર રાખી રહેલ મોરબી એસઓજી ટીમે વોટ્સએપ સ્ટેટ્સમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાય તેવું કૃત્ય આચરનાર માળીયાના હંજિયાસરના જામવાસમાં રહેતા આરોપી મુસ્તાક અનવરભાઈ જામ નામના શખ્સને ઝડપી લઈ આ શખ્સને પરવાના વાળું પોતાનું હથિયાર આપનાર અનવરભાઈ હારુનભાઈ જામ વિરુદ્ધ પણ ગુન્હો નોંધી કાર્યવાહી કરી સોશિયલ મીડિયામાં સીન સપાટા કરતા તત્વોને સબકરૂપ કામગીરી કરી હતી.