મોરબી : મોરબી બાગાયત ખાતા દ્વારા તાજેતરમાં 34 જેટલી બહેનોને 'મહિલા વૃતિકા કિચન કેનિંગ' અંગે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમાર્થી બહેનોને સ્ટાઈપન્ડ પણ ચૂકવવામાં આવશે.નાયબ નિયામક બાગાયત કચેરી મોરબી દ્વારા શહેરી વિસ્તારના સખીમંડળના બહેનોને 'મહિલા વૃતીકા કિચન કેનિંગ' ટ્રેનીંગ આપવા ડે-એન.યુ.એલ.એમ. મોરબી નગરપાલિકા સાથે સંકલન કરતા આ વર્ષે બીજીવાર તા.31 અને 01 એમ બે દિવસની તાલીમનું આયોજન અર્પિત મહિલા ટ્રસ્ટના તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમા અર્પિત આરાધ્યા સખીમંડળ, સદભાવના સખીમંડળના બહેનો, તેમના પરિવારના બહેનો, તાલીમ કેન્દ્રના બહેનો એમ કુલ મળીને 34 બહેનોને આ તાલીમ આપવામાં આવી હતી. જેમાં બે દિવસ દરમ્યાન કોબીજનો ચેવડો, ખજૂરના લાડુ, જામફળ-લીંબુનો સ્કવોશ, મિક્સ ફ્રુટ જામ, ખજુર-લીંબુનું અથાણું , પાઈનેપલ સ્કવોશ અને ટોપરાના લાડુ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. બીજા દિવસે તાલીમમાં ભાગ લીધેલ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાગાયત ખાતાની આ મહિલા વૃત્તિકા તાલીમ અંતર્ગત આ તાલીમાર્થી બહેનોને એક દિવસના રૂ.250/-મુજબ બે દિવસ તાલીમના કુલ રૂ.500/- મુજબ સ્ટાઇપન્ડ ચુકવવામાં આવશે.