મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત રાજ્યના આહવાન હેઠળ મોરબી જિલ્લાના બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને સન્માનના પ્રશ્નો બાબતે તાત્કાલિક ઉકેલ લાવવા માટે કાલે તા. 15-11-2025 ને, શનિવારના રોજ બપોરે 01:30 કલાકે કલેક્ટર અને વિધાનસભા સીટ વાઇઝ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવશે. આ આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ કલેક્ટર મારફત શિક્ષકોના પ્રશ્નો રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ પહોંચાડવાનો છે.હાલમાં ચૂંટણી પંચની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા. 04/11/2025 થી 04/12/2025 દરમિયાન ચાલી રહી છે, જેમાં 90% થી વધુ BLO તરીકે શિક્ષકો જ ફરજ બજાવે છે. મહાસંઘે આ પ્રક્રિયા દરમિયાન શિક્ષકોને પડતી સમસ્યાઓ સામે તાત્કાલિક નિર્ણય લેવાની માંગણી કરી છે. તેમજ અક્ષય કો કર્યા છે કે કામગીરી જ્યારે સોપાય ત્યારે જે પ્રકારની ફરજો હતી તેના કરતા વિશેષ કામ અને ઓનલાઈન કામ ઉમેરાયુ છે.જેમાં BLOની ફરજમાં હાજર ન રહી શકે તેવા શિક્ષકો સામે ધરપકડ વોરંટ જારી કરવાની પ્રવૃત્તિને દુઃખદ, અપમાનજનક અને ગુલામશાહી સમાન ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. તેમજ કેન્દ્રિય ચૂંટણી આયોગના આદેશ મુજબ અન્ય 12 કેડરના કર્મચારીઓમાં BLO ફરજની સમાન ફાળવણી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તથા આગામી સમયમાં શિક્ષણ કાર્યને અસર ન થાય તે માટે શિક્ષકોને બદલે BLO કામગીરી માટે અલગ કેડર રચવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત BLO કામગીરી બાબતે અધિકારીઓ દ્વારા શિક્ષકો પ્રત્યે થતા ઉદ્ધત વર્તન કે ધમકાવણી ના બનાવો અટકાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવી તેમજ SIR હેઠળ ઉમેરવામાં આવેલ ઓનલાઇન ડેટા એન્ટ્રી માટે શિક્ષકોને મોબાઇલ, લેપટોપ કે ડેટા જેવા સંસાધનો પૂરાં પાડવા અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ઓનલાઇન કામગીરીના ઓર્ડર ન આપવા રજૂઆત કરાશે. સામાજિક કે યોગ્ય કારણસર ગેરહાજર રહેતા શિક્ષકને સમજૂતી આપવાની તક આપવામાં આવે અને વણજોઈતા શિસ્તભંગની નોટિસ આપવાનું બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહાસંઘે જણાવ્યું છે કે, શિક્ષકો રાષ્ટ્રનિર્માણની મુખ્ય કડી છે અને તેમના સન્માનને જાળવી રાખીને જ શિક્ષણની ગુણવત્તા વધારી શકાય. તમામ BLO શિક્ષક ભાઈઓ-બહેનોને આ સામૂહિક આવેદનમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.