તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ત્રણેક દિવસથી નદીના વહેણની માફક વહેતા ગટરના દૂષિત પાણી : મહામારીની આફત વચ્ચે રોગચાળાનું મોટું જોખમ મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણીએ માજા મૂકી છે. જેમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ત્રણેક દિવસથી નદીના વહેણની માફક ગટરના દૂષિત પાણી વહી રહ્યા હોય કોરોનાની આફત વચ્ચે આ વિસ્તારમાં ગંભીર રોગચાળાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મોરબીના માધાપર વિસ્તારમાં લાંબા સમયથી ગટરની ગંદકી ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. વારંવાર ગટર ઉભરાઈ છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનું જોખમ હોવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હલ્યું નથી.જોકે હાલ કોરોનાની મહામારીની આફત હોય સ્વચ્છતા રાખવો ખૂબ જરૂરી છે. પણ તંત્ર આ ગટરની સમસ્યા હલ કરવાની જરાય તસ્દી ન લેતા હવે માધાપર વિસ્તારમાં ગટર ઉભવવાની સમસ્યા હદ બહારની વકરી છે અને માધાપર વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગટરના પાણી સતત ઉભરાયા કરે છે. જેમાં માધાપર શેરી નંબર 2 માં ગટરના પાણી આજે નદીના વહેણની જેમ વહેતા જોવા મળ્યા છે. આખી શેરી ગટરના દૂષિત પાણીથી વગર ચોમાસે પાણી-પાણી થઈ ગઈ હતી. આથી, રોગચાળાનું મોટું જોખમ હોય તંત્ર વહેલાસર આ ગટરના પાણીની સમસ્યા ઉકેલવા કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.