બે આરોપીના 20 દિવસ, ચાર આરોપીઓના 6 દિવસ અને એક આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ મમુ દાઢી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા અને શહેરની શાંતિ ડહોળવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા તત્વો સામે પોલીસ આકરા પાણીએ મોરબી : મોરબીમાં મમુ દાઢી હત્યા કેસમાં પોલીસ તરફથી ગુજસીટોક હેઠળ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાંથી કોર્ટે 2 આરોપીઓના 20 દિવસના રિમાન્ડ તથા 1 આરોપીના 10 દિવસના રિમાન્ડ અને 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું ડીવાયએસપી દ્વારા જણાવાયું છે. મળતી માહિતી અનુસાર ગત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રીના મોરબી શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુ દાઢી હનીફભાઇ કાસમાણી રહે. મોરબી ખાટકીવાસ વાળાનું બનાવ સ્થળે મોત થયેલ તેમજ અન્ય વ્યકિતઓને ઇજા થયેલ હતી. આ મામલે પોલીસે આરીફ ગુલામભાઇ મીર તથા રફીક માંડવીયા સહિત નવ શખ્સો સામે નામજોગ તથા ચાર અજાણ્યા મળી કુલ 13 આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મોરબી જીલ્લા પોલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી કુલ 11 આરોપીઓ પકડી પાડવામાં આવેલ હતા. આ તમામને અટક કરી રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી આ ગુન્હો આચરેલ હતો. આ સંગઠીત ગુન્હા આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા/ મીર રહે. મોરબીવાળો છે. આ આરીફ મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાં ખુન, ખુનની કોશિષ, લુંટ, રાયોટીંગ, સરકારી નોકર પર હુમલો, ધાકધમકી, જમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ હતા. સાથે તેને મોરબી શહેરની સામાન્ય પ્રજામાં પોતાની ધાક ઉભી કરી વર્ચસ્વ જમાવી કાયદો વ્યવસ્થા તેમજ જાહેર શાંતિનો ભંગ કરી છેલ્લા દસેક વર્ષમાં દહેશતનું વાતાવરણ ઉભુ કરેલ હોય જેથી આ સંગઠીત ગુન્હા ટોળકી તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુન્હાની તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઇ ચલાવી રહેલ છે. ગઈકાલે જ આ ટોળકીના વધુ 2 સભ્યોની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરેલ છે. જેમણે આ સંગઠીત ગુન્હા ટોળકી કે જેનો મુખ્ય સુત્રધાર આરીફ મીર હોય તેના વતી તેમજ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે. પકડાયેલા બન્ને શખ્સો રીયાજ ઇકબાલ જુણાચ તથા મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયાના કોર્ટે 20 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અગાઉ અટક કરેલ આરોપીઓ જે જયુડીશ્યલ કસ્ટડીમાં હોય તે ચાર આરોપીઓ ઇસ્માઇલભાઇ યારમામદભાઇ બ્લોચ, ઇરફાનભાઇ યારમામદભાઇ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, એજાજભાઇ આમદભાઇ ચાનીયાના કોર્ટે 6 દિવસ તથા રફીકભાઇ રજાકભાઇ માંડવીયાના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ ગુજસીટોકના ગુન્હાની જેમ જેમ ઉંડાણપુર્વક તપાસ થતી જશે અને જે જે આરોપીઓના નામ ખુલશે તેઓ વિરૂધ્ધ પણ આ કાયદાની જોગવાઇ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું છે.