મોરબી : આજે તારીખ 16 માર્ચ ને રવિવારે મોરબી ખાતે ધ રોર ક્રિકેટ ક્લબનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પિયુષ ચાવલા, ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપના પૂર્વ મેનેજર ડો. અર્જુનસિંહ રાણા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકોનની ઉપસ્થિતિમાં ધ રોર ક્રિકેટ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભારતના પૂર્વ ક્રિકેટર પિયુષ ચાવલાએ જણાવ્યું હતું કે, કોઈપણ ક્રિકેટર માટે ઈન્ફરાસ્ટ્રક્ચર જરૂરી હોય છે. અહીંયા સારા કોચ છે જેથી યુવાનોને સારી સુવિધા મળશે. મોરબીથી યુવાનો પણ ક્રિકેટમાં આગળ વધશે. આ એક ખૂબ જ સારી શરૂઆત છે. મોરબીના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે તે જાણીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ક્રિકેટમાં આગળ વધવા માટે પાયાથી શીખવું જરૂરી છે અને કેટલાક પાયાની તાલીમ પણ લેવી જરૂરી છે. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, મોરબી ક્રિકેટ એસોસિએશન અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતની ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મજબૂત બનાવવાનું કામ મોરબીમાં થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં મોરબીના યુવાનોને પ્લેટફોર્મ મળે તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધ રોર ક્રિકેટ ક્લબ આગામી દિવસોમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી મોરબીના યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડે એવી શુભકામના પણ પાઠવી હતી.