વાંકાનેર : પલાસ ચોકડીથી હળવદ સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાં હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પલાસ ચોકડીથી હળવદ સુધી રોડ પર વડુસર, જામસર, રાજગઢ સહિતના ગામડાઓ આવે છે. આ ગામના લોકો અને અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ આ રોડ પરથી નિયમિત આવન-જાવન કરતાં હોય છે. ત્યારે આ રોડ ઘણા દિવસથી ખરાબ હાલતમાં છે. રોડમાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા પડી ગયા છે. ઉબડ ખાબડ રસ્તા પર ચાલતી વખતો વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. જો ખાડાઓના કારણે મોટો અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે.આ ખરાબ રોડ મામલે લોકો પરેશાન થઈ ગયા છે. વાહનચાલકોને નાણાની સાથે સાથે સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. ત્યારે લોક માગ ઉઠી રહી છે કે જો તંત્ર આ રોડની હાલત સુધારવામાં થોડું ધ્યાન આપે તો લોકોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.