એક જ વરસાદમાં મોરબી-ટંકારા હાઇવે ધોવાઈ ગયો: ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો ત્રસ્તમોરબી : મોરબી બાયપાસથી ટંકારા સુધીનો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર અને દયનીય હાલતમાં ફેરવાઈ ગયો છે. માત્ર 1 વરસાદમાં આ માર્ગ ખોવાય ગયો છે. હાઇવે પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે કે વાહનચાલકોને દરરોજ પોતાના જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે. વરસાદ બાદ સર્જાયેલી આ ગંભીર સ્થિતિને કારણે અકસ્માતની આશંકા સતત વધી રહી છે અને આ હજારો લોકોની સુરક્ષા તેમજ જીવનનો સીધો પ્રશ્ન બની ગયો છે.આ હાઇવે પરથી રોજબરોજ 30,000 થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. નેશનલ હાઇવે જેવી મહત્વની સડક પર મસમોટા ખાડાઓ ઉપરાંત ખુલ્લી ગટરો અને તૂટેલા ઢાંકણા પણ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. નવલખી ફાટકથી લઈને રાજકોટ સુધીના પટ્ટા પર અનેક જગ્યાએ રોડની હાલત એટલી ખરાબ છે કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ ખાડાઓના કારણે વાહનચાલકો પછડાયા હોવાની અને ઈજાઓ થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને યુવા આગેવાન મનોજભાઈ પનારા અને સ્થાનિક નાગરિકોએ સ્થળ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું હતું અને તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે તંત્રને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસની અંદર જો આ રસ્તાના ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે, તો ઉગ્ર જન આંદોલન શરૂ કરવામાં આવશે.'આ માત્ર રસ્તાનો પ્રશ્ન નથી, પરંતુ હજારો લોકોની સુરક્ષા અને જીવનનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે જવાબદાર તંત્ર કાગળ પર મોટી મોટી વાતો કરવાને બદલે મેદાનમાં કામ કરીને પ્રજાને રાહત આપે. પ્રજાની સહનશક્તિની પણ એક મર્યાદા હોય છે,' તેમ આગેવાનોએ રોષપૂર્વક જણાવ્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો નાગરિકોને ફરજિયાતપણે રોડ પર ઉતરી વિરોધ નોંધાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. #Morbi #MorbiNews #TankaraRoad #MorbiBypass #Potholes #ManojPanara #GujaratRoads #PublicSafety #MorbiUpdates #TrafficIssue