વરસાદમાં રોડની હાલત વધુ ખરાબ થઈ : 5 કિમિના રોડ ઉપર વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ મોરબી : મોરબીમાં ફરી વરસાદમાં માર્ગોની સાથે તંત્રની આબરૂનું ધોવાણ થયું છે. જેમાં વરસાદને પગલે મોરબીના શનાળાથી રાજપર ગામને જોડતા માર્ગનની હાલત વધુ ખરાબ થઈ ગઇ છે અને આખો માર્ગ ખાડાના અખાડામાં ફેરવાય ગયો છે. આ માર્ગની અત્યંત બિસ્માર હાલત થવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. મોરબીના શનાળા ગામથી રાજપર ગામને જોડતા 5 કિમિનો લાંબો માર્ગ ઉપર ઠેરઠેર મસમોટા ગાબડાં પડ્યા છે. આ પાંચ કિમીના માર્ગ ઉપર ઠેરઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ઘણી વાર વાહન ઉપર નિયત્રણ ગુમાવતા અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે અને વાહન ચાલકોને હાથ પગ ખોખરા થઈ રહ્યા છે. રોડ ઉપર એટલે હદે ખાડા પડયા છે કે થોડો ઘણો સારો માર્ગ પણ દીવો લઈને શોધવા જવું પડે તેવી સ્થિતિ છે. જોકે અગાઉથી જ માર્ગ અત્યંત ખરાબ છે. તેવામાં હવે વરસાદમાં આ રોડની બદતર હાલત થઈ ગઈ છે. જેથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી સંબધિત તંત્ર વહેલી તકે આ ખરાબ રોડ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે.