સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધી રૂ.2 કરોડના ખર્ચે સિમેન્ટ રોડનું નિર્માણ : રોડ ઉપરના તમામ હોર્ડિંગ્સ પણ દૂર કરી દેવાયામોરબી : મોરબી નજીક રાતાવિરડા- સરતાનપર વચ્ચે રોડની હાલત ખરાબ હોય અહીંના ઉદ્યોગોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. તેવામાં ઉદ્યોગોએ તંત્ર ઉપર આશા રાખવાને બદલે રૂ.2 કરોડના સ્વ ખર્ચે સિમેન્ટ રોડનું કામ શરૂ કર્યું હતું. જે રોડ બનીને તૈયાર થતા તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાતાવિરડાથી સરતાનપર વચ્ચે સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધીનો 2 કિમિનો રોડ અતિ ખરાબ હાલતમાં હતો. જેને લઈને અહીં આવેલા અંદાજે 110 જેટલા ઉદ્યોગોને વાહન વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી હતી. તેવામાં બધા ઉદ્યોગકારોએ સ્વખર્ચે જ રોડ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ રોડ રૂ.2 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રોડનું કામ પૂર્ણ થતા ગઈકાલે રોડને વૃક્ષપ્રેમી જીવરાજબાપા લિખિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વધુમાં ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર આ રોડ ઉપરથી તમામ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા છે. આ રોડ ઉપર હવે પછી હોર્ડિંગ્સ લગાવવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ઉદ્યોગકારોએ તમને ટ્રાન્સપોર્ટરોને અપીલ કરી છે કે રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોય, હવે વૈકલ્પિક રૂટની બદલે તેઓ આ રૂટ ઉપરથી પણ નીકળી શકશે.