બેકરીની બનાવટમાં ચાલતું લોલંલોલ બહાર આવ્યું : આરોગ્ય વિભાગ ક્યારે જાગશે? મોરબી : ઘરના તાજા રોટલા-રોટલી કરતા હાલના સમયમાં તૈયાર મળતા ઇન્સ્ટન્ટ ફૂડ લોકો વધુને વધુ આરોગવા લાગ્યા છે ત્યારે ખાસ કરીને બેકરીની આઈટમોમાં શુદ્ધતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. આવો જ એક અજીબ કિસ્સો મોરબીના શનાળા રોડ પર બહાર આવ્યો છે. મોરબીના શનાળા રોડ સ્થિત જીઆઇડીસી નજીક આવેલી એક દુકાનમાંથી દીપકભાઈ રતિલાલ હડીયલ નામના નાગરિકે પાઉંનું એક પેકેટ ખરીદી, ઘેર જઈને ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરડીનું મૃત બચ્ચું મળી આવતા દીપકભાઈ ચોંકી ગયા હતા. પાઉંનું પેકેટ લઈ તેઓ તરત જ એ દુકાને પહોંચ્યા હતા. જ્યાં આ પેકેટ બતાવીને ફરિયાદ કરતા દુકાન માલિકે તેઓને બ્રેડ-પાઉં સહિતની પ્રોડક્ટ બનાવતી ક્રિષ્ના બેકરીએ જઇ ધ્યાન દોરી ત્યાં ફરિયાદ કરવાનું કહેતા દિપકભાઈ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં આ પેકેટ અને ઉંદરનું મૃત બચ્ચું બતાવતા A-57 જીઆઇડીસી ખાતે આવેલી ક્રિષ્ના બેકરી પ્રોડક્ટના માલિકે આ બળેલું લાકડું છે અથવા તો કોથળાનો ટુકડો છે એવો લુલો બચાવ કર્યો હતો. પણ ઉંદરનું મૃત બચ્ચું છે એ માનવાનો ઇન્કાર કરીને હાથ ઊંચા કરી નાખ્યા હતા. જો કે ઉંદરનું મૃત બચ્ચું ન હોય તો પણ બળેલું લાકડું કે કોથળાનો ટુકડો ખાદ્ય પદાર્થ તો નથી જ. પેકડ બ્રાન્ડ ખાદ્ય પદાર્થોમાં જો આવા અખાદ્ય પદાર્થ નીકળી આવે તો જે-તે બ્રાન્ડની જવાબદારી ફિક્સ થવી જોઈએ એવું ગ્રાહકે જણાવીને લોકો તેમજ આરોગ્ય વિભાગને સચેત કરવાનું કાર્ય કર્યું છે. મોટા ભાગના બેકરી સંચાલકો એક વાર FSSAI પ્રમાણપત્ર મેળવી લ્યે ત્યાર બાદ ક્યારેય તેની પ્રોડક્ટની શુદ્ધતા અંગે ચેકીંગ થતું નથી. હવે જોવું રહ્યું કે મોરબીમાં આરોગ્ય વિભાગ અને લાગતું વળગતું તંત્ર શહેરમાં બેકરીઓ સહિત હોટલ-રેસ્ટોરન્ટ અને નાસ્તાની રેંકડીઓનું ચેકીંગ ક્યારે શરૂ કરે છે. જન આરોગ્ય સાથે થતા આવા ગંભીર ચેડાં સત્તાધીશોને કેમ નજરમાં નહીં આવતા હોય એવા તર્ક-વિતર્કો લોકોમાં ઉઠી રહ્યા છે.