ઉર્જા બચાવો રેલીમાં પીજીવીસીએલનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાઈને વિશાળ જન સમુદાય સમક્ષ વીજ બચત કરવાનો સંદેશ પહોંચાડયો મોરબી : મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે ઉર્જા બચાવો રેલી કાઢવામાં આવી હતી. ઉર્જા બચાવો રેલીમાં પીજીવીસીએલનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ બેનેરો પ્રદર્શિત કરી વિશાળ જન સમુદાય સમક્ષ વીજ બચત કરવાનો સંદેશ પહોંચાડ્યો હતો. મોરબીમાં પીજીવીસીએલ દ્વારા 16 ડીસેમ્બરથી 21 ડીસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીજીવીસીએલના સમગ્ર સ્ટાફ અને જાહેર હિતને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.વીજળીનું કામ કરતા સ્ટાફ માટેના સલામતી સહિતના કાર્યક્રમોમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે લોકોમાં વીજ બચત માટે જાગૃતિ કેળવાઈ અને લોકો જરૂરિયાત પૂરતી વીજળીનો ઉપયોગ કરી બિન જરૂરી વીજ વપરાશ ઘટાડે તે માટે આજે પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહ નિમિતે ઉર્જા બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉર્જા બચાવો રેલી સામાકાંઠે આવેલ પીજીવીસીએલ કચેરી ખાતેથી નીકળી હતી. જેમાં પીજીવીસીએલનો સ્ટાફ પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાયો હતો. આ રેલી મહારાણા પ્રતાપ સર્કલ હાઉસિંગ બોર્ડ, નટરાજ ફાટક, વીસી ફાટક, ગેસ્ટહાઉસ રોડ, શનાળા રોડ,રવાપર રોડ બાપા સીતારામ ચોકેથી નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ થઈને શનાળા બાયપાસ પર ફરીને પૂર્ણ થઈ હતી. જેમાં પીજીવીસીએલના સ્ટાફે વિવિધ બેનરો પ્રદર્શિત કરીને લોકોને બિનજરૂરી વીજ વપરાશ ન કરવાનો સંદેશ આપ્યો હતો.