મોરબી : મોરબીના રાજપર ગામે રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર થનાર 66 કે.વી.ના સબ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના રાજપર, થોરાળા સહિતના ગામોમાં અગાઉ વીજ ધાંધિયા જોવા મળતા હતા. વારંવાર થતા વિજકાપથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા. આ સમસ્યાના સમાધાન રૂપે રાજપર ગામે રૂ. 4 કરોડના ખર્ચે 66 કે.વી.નું નવુ સબ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. 66 કે.વી.ની નવી લાઇનના કારણે રાજપર, ચાચાપર, થોરાળા અને શનાળા સહિતના ગામોમાં લોડ ઘટી જશે. આ લોકાર્પણ વેળાએ પીજીવીસીએલના ઈજનેર જે.જે. પરમાર, તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા, સરપંચ કરમશીભાઈ મારવણીયા, ઉપસરપંચ જિતેન્દ્રભાઈ ચારોલા, જાદવજીભાઈ, ધનજીભાઇ ચારોલા, નિલેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.