મોરબી જિલ્લામાં વીજલાઈન મુદ્દે વધુ 16 ગામોમાં ખેડૂતો દ્વારા ભાજપ વિરોધી બેનરો લાગ્યામોરબી : મોરબી જિલ્લામાં વીજલાઈનના વળતર મામલે ખેડૂતોનો વિરોધ હજુ યથાવત છે. જેતપર ખેડૂત સત્યાગ્રહના સમર્થનમાં મોરબી અને હળવદ તાલુકાના વધુ 16 ગામોએ સ્વયંભૂ આગળ આવીને ગામના પાદરે બેનરો લગાવ્યા છે. આ તમામ ગામોમાં લગાવેલા બેનરોમાં સ્પષ્ટ ભાષામાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો વીજલાઇન પ્રશ્ને ખેડૂતોની માંગણી મુજબનો નવો પરિપત્ર બનાવવામાં નહીં આવે તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ઉમેદવારે મત માંગવા માટે આ ગામોમાં આવવું નહીં.આ ખેડૂત આંદોલનની સૌથી નોંધનીય બાબત એ છે કે, આ વિરોધની શરૂઆત મંત્રી કાંતિલાલ અમૃતિયાના પોતાના ગામ જેતપરથી થઈ હતી અને હવે તેની આગ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મોહનભાઈ કુંડારીયાના ગામ નીચી માંડલ સુધી પહોંચી ગઈ છે. તારીખ 16 અને 17 ઓગસ્ટ 2026 ના રોજ એકસાથે નીચી માંડલ, ઉંચી માંડલ, ઘુંટુ, ધુનડા(સ), ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ(આં), બાદનપર, મોટી વાવડી, નાગલપર, અમરાપર, પંચાસર(શિવ નગર), જોધપર, હળવદ તાલુકાનું મયાપુર અને થોરાળા ગામમાં આવા ચેતવણી આપતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.આગામી 2027 ની ચૂંટણી પહેલા જ ખેડૂતો દ્વારા આ રીતે આક્રમક રણનીતિ અપનાવીને શાસક પક્ષના ઉમેદવારોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. વીજલાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થવાના મુદ્દે માંગ મુજબનો સત્તાવાર પરિપત્ર ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. જો તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં નવાજુની થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે.