દરરોજ 200 ટોકન આપી કામગીરી કરાઈ રહી છે મોરબી : મોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોને છેલ્લા ઘણા દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દરરોજ માત્ર 100 લોકોના જ દાખલા કાઢી આપવામાં આવતા હતા. જેના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા હતા. ત્યારે હાલ મોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણ વિભાગમાં મલ્ટીપલ લોગીન આઈડી મળતા દાખલા કાઢવાની કામગીરી ઝડપથી થઈ રહી છે અને દરરોજ 200 લોકોને ટોકન આપી દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે.મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, હાલ મલ્ટીપલ લોગીન આઈડી મળતા જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. ગઈકાલે આશરે 200 જેટલા જન્મ-મરણના દાખલા સિટી સિવિક સેન્ટર રેનબસેરા ખાતે કાઢવામાં આવ્યા છે. હવેથી સિટી સિવિક સેન્ટર રેનબસેરા ખાતે દરરોજ સવારે 9 કલાકે 200 ટોકન આપવામાં આવશે. જેથી લોકોએ વહેલી સવારે ટોકન લેવા માટે ન આવવા તથા કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. તેમજ લોગીન કાર્યરત થતા લોકોને લાઇનમાં ઊભા રહેવામાંથી પણ મુક્તિ મળશે. બીજા નવા લોગીન પણ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી માંગવામાં આવ્યા છે. તે આવ્યેથી વ્યવસ્થા હજુ વધુ સરળ બનશે તેમ જણાવ્યું હતું.