મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ 9 જગ્યાએથી સેમ્પલ લઈ કર્યું રિસર્ચhttps://youtu.be/EK0zmulDgS0મોરબી : આપણી આસપાસ હવામાં અનેક પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે. જે આપણને દેખાતા નથી પરંતુ તેનાથી અનેક બીમારીઓ પણ ફેલાતી હોય છે. આવા બેક્ટેરિયા અંગે મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ એક રિસર્ચ હાથ ધર્યું હતું. આ રિસર્ચમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ અંગે વિદ્યાર્થિનીઓએ મોરબી અપડેટ સાથે ખાસ વાતચીત કરી હતી અને સમગ્ર રિસર્ચની પ્રક્રિયા અને ક્યાં ક્યાં વિસ્તારમાં કેવા પ્રકારના બેક્ટેરિયા જોવા મળ્યા હતા તે અંગેની માહિતી આપી હતી.હર્ષિદા નકુમ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, અમે માઈક્રો વિભાગની વિદ્યાર્થિનીઓએ એક રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં મોરબી શહેરના અલગ અલગ નવ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નવ સ્થળોમાં વેજીટેબલ માર્કેટ, સિવિલ હોસ્પિટલ, સરદાર બાગ, બસ સ્ટેશન, જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, પોલીસ સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ અને મંદિરેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ બેક્ટેરિયાથી મોટાભાગે શ્વસન તંત્રના રોગ થતા હોય છે. જ્યારે અમુક પ્રકારમાં ચામડી અને ચેતાતંત્રને લગતા રોગ પણ થાય છે. બેક્ટેરિયાના સેમ્પલ લેવા માટે ખાસ પ્રકારની પ્લેટ હોય છે જેને 10 મિનિટ સુધી હવામાં ખુલ્લી રાખીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ રિસર્ચ દરમિયાન મોરબીમાં સૌથી વધુ બેક્ટેરિયા વેજીટેબલ માર્કેટ અને બસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા. જેનાથી વિવિધ પ્રકારના રોગ ફેલાવાનો ખતરો રહે છે. આ બેક્ટેરિયાથી બચવા માટે એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે અને રસાયણનો ઉપયોગ કરી શકાય છે. બંધ જગ્યા હોય ત્યાં વેન્ટીલેશન રાખીને બેક્ટેરિયાથી બચી શકાય છે. સાથે જ આપણી આસપાસ સ્વચ્છતા રાખવાથી આ પ્રકારના બેક્ટેરિયાથી ફેલાતી બીમારીથી બચી શકાય છે.