વોર્ડ નંબર 7માં સીટી એ ડીવીઝન પોલીસ લાઈન રોડ, જૂની દાણાપીઠ સહિતનો વિસ્તાર પાણી-પાણી મોરબી : મોરબી નગરપાલિકાના સંપમાંથી પાણી છલકાઈને વેડફાઈ રહ્યું હોવા છતાં જવાબદાર વોટરવર્કસ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા આજે જૂની દાણાપીઠ વિસ્તાર અને સીટી એ ડિવિઝન પોલીસ લાઈનવાળા મુખ્ય માર્ગો ઉપર પાણીના તલાવડા ભરાયા હતા. જો કે, આ મામલે વોર્ડ નંબર 7ના નગરસેવિકા અને ચીફ ઓફિસરને જાણ કરાતા સાંજના સમયે પાણીનો વેડફાટ બંધ થયો હતો. શહેરના વોર્ડ નંબર 7મા લોહાણાપરા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના સંપમાં રેઢા રાજ જેવી સ્થિતિને કારણે દરરોજ પાણીનો અમૂલ્ય જથ્થો ઓવરફ્લો થઈને મુખ્ય માર્ગો ઉપર વહેવા લાગે છે. આજે પણ સંપમાંથી છલકાયેલ પાણી જૂની દાણાપીઠ અને જેલ રોડ સુધી પહોંચવા છતાં નગરપાલિકાના વોટર વર્કસ વિભાગને જાણ પણ ન હતી. દરમિયાન પાણીના વેડફાટ અંગે જાગૃત નાગરિક દ્વારા વોર્ડ નંબર 7ના નગરસેવિકા સીમાબેન સોલંકી અને ચીફ ઓફિસર સુધી ફરિયાદ પહોંચાડવામાં આવતા સાંજના સમયે સંપમાંથી ઓવરફ્લો થતું પાણી બંધ કરવા આવ્યું હતું. જો કે, નગરપાલિકામાં વોટરવર્કસ વિભાગની કામગીરી સાંભળતા જાનીભાઈએ તો ફોન રિસીવ કરવાની પણ તસ્દી લીધી ન હતી.