દર વર્ષે અહીં પાણી ભરાતું હોવાની જાણ હોવા છતાં એસટી તંત્ર અને મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં કંઈ કર્યું નહિમોરબી: ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોરબીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. મોરબીના જુના બસ સ્ટેન્ડના એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વરસાદી પાણી ભરાઈ જતા જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે બસ સ્ટેન્ડમાં આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સમસ્યા કોઈ નવી નથી, દર ચોમાસે અહીં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. આ બાબતની એસટી વિભાગના અધિકારીઓ અને મોરબી મહાપાલિકાને પહેલેથી જ જાણ છે. તેમ છતાં આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર જ કામગીરી થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અહીં પાણીના નિકાલ માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બસ સ્ટેન્ડમાં પ્રવેશવા માટે મુસાફરોને ફરજિયાતપણે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને બસ પકડવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે અને આ હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી મુસાફરોમાં ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Monsoon2026 #Waterlogging #GSRTC #MorbiNagarPalika #GujaratNews