નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી વચ્ચે સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડ્યા, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ, સ્થાનિકોની સત્વરે રિપેરિંગની માંગમોરબી અપડેટ: મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ (નટરાજ ફાટક પાસે) હાલમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ પહેલેથી જ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી. હાલમાં જે સર્વિસ રોડ બનાવાયો છે તેમાં મસમોટા ખાડા પડી ગયા છે અને વાહનો પસાર થવા માટે માત્ર 1 જ ગાડી નીકળી શકે તેટલી જ જગ્યા બચી છે.મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા રસ્તે અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે એમ બંને જગ્યાએ સર્વિસ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ પર તળાવડા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને ખાડાઓ છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. જેના પરિણામે રિક્ષા કે બાઈકના અડધા ટાયર ડૂબી જાય તેવા જોખમી ખાડાઓનો સામનો વાહનચાલકોએ કરવો પડી રહ્યો છે.આ એક સતત ધમધમતો રસ્તો છે. સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી, હાઈવે, ત્રાજપર ચોકડી, ટીંબડીના પાટિયા કે કચ્છ તરફ જવા માટે વાહનચાલકો આ રસ્તાનો મહત્તમ ઉપયોગ કરે છે. મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા આ માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે અને રસ્તાની અત્યંત ખરાબ હાલતના કારણે લોકોને ટ્રાફિક જામની પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.સ્થાનિક લોકો અને વાહનચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરાવવામાં આવે, વાહનો માટે ચાલવા યોગ્ય રસ્તો બનાવવામાં આવે અને ભરાયેલા પાણીનો તાકીદે નિકાલ કરવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaharanaPratapCircle #RoadIssue #TrafficJam #MorbiCity