મોરબી અપડેટ (આલેખન: ડૉ. ભાવેશ જેતપરિયા) : ઈતિહાસનાં પાને કેટલાંક શહેરો એવાં હોય છે જેનું નામ લેતાં જ સંઘર્ષ, સહનશીલતા અને પુનરુત્થાનની ગાથા યાદ આવે. મોરબી એવું જ એક નામ છે. આ શહેર વારંવાર તૂટ્યું, તણાયું, ખળભળ્યું, ટીચાયું, પીલાયું પણ ક્યારેય હાર્યું નહીં. ગ્રીક પુરાણમાં કહેવાય છે, The Phoenix rises from its ashes - પોતાને બાળીને પણ ફરી જીવંત થનારું પંખી. મોરબી બરાબર એવું જ ફિનિક્સ પંખી છે. સંસ્કૃતમાં કહ્યું છે, नाशे नाशे नवं भवति - દરેક નાશ પછી નવું સર્જન થાય છે.મોરબીનું ભૌગોલિક મૂળ ઘણું જૂનું છે. આજનું મોરબી જે જગ્યાએ વસ્યું છે એને પ્રાચીન સમયમાં મોરબાનો ટીંબો અને ભીમસર તરીકે ઓળખવામાં આવતું. લોકવાયકા છે કે મહાભારતકાળમાં પાંડવોએ અહીંયા વિચરણ કર્યું હતું. એટલે આ માટીમાં અને પ્રજામાં શરૂઆતથી જ તપ, ત્યાગ અને તાકાતનો વાસ છે. ભૂમિ જ મહાનતા આપે છે. History is not what happened, history is what survives - ઈતિહાસ એ નથી જે બન્યું, ઈતિહાસ એ છે જે ટકી રહ્યું.મોરબીનું નામ મયૂરધ્વજ રાજાના નામ પરથી મયૂરધ્વજપુરી કે મયુરપુરી પડ્યું એમ મનાય છે. મચ્છુ નદીના કાંઠે વ્યૂહાત્મક સ્થળ હોવાથી અહીં સત્તા સતત બદલાતી રહી, એ જ તેની કસોટી હતી. ઈ.સ. 1200 માં કુતુબુદ્દીન ઐબકે મોરબી જીત્યું, પછી જેઠવા રાજાએ પરાક્રમથી પાછું મેળવ્યું. ઈ.સ. 1300 માં દિલ્હી સલ્તનતે જીત્યું જે ઈ.સ. 1500 સુધી રહ્યું. પછી ગુજરાત સલ્તનત અને પછી કચ્છના ખેંગારજીએ મહમદ બેગડાની મદદથી કબજે કર્યું. ત્યારે અહીં મોરબાનો ટીંબો અને મોરલો, મોરબો નામનો થોડોક વિસ્તાર હતો, જેનું નામ બદલીને 'ગઢ ઢેલડી' 'ઢેલડી નગર' કરાયું. આ નામ ભજનવાણીમાં મળે છે. ઈ.સ. 1600 આસપાસ કચ્છના રાજવીએ પોતાના અશ્વપાલ રાવત રણસિંહને મોરબી બક્ષીસ આપ્યું. ઈ.સ. 1200 થી ઈ.સ. 1600 સુધી ચારસો વર્ષ સુધી મોરબી યુદ્ધમાં હોમાયું અને ફરી બેઠું થયું. આ જ તેનું પ્રથમ ફિનિક્સ સ્વરૂપ છે.આ અસ્થિરતામાંથી સ્થિરતાનો પાયો ઈ.સ. 1698માં નંખાયો. ઠાકોર કાયાજીએ મોરબી રજવાડાની સ્વતંત્ર સ્થાપના કરી. આ કોઈ વારસામાં મળેલી ગાદી નહોતી. પિતાની રાજકીય હત્યા થતાં, ઠા. કાયાજી પોતાની માતા સાથે ખાલી હાથે ભુજથી નાસીને મચ્છુ કાંઠાની આ ભૂમિ પર આવ્યા. અહીં તેમણે વિસ્થાપનમાંથી સ્થાપન કર્યું. સંઘર્ષને સંસ્કૃતમાં કહ્યું છે वीरभोग्या वसुन्धरा - આ ધરા વીરોના પરાક્રમથી જ ટકે છે. રાજ્યવ્યવસ્થામાં ફેરવ્યો. ત્યાર પછી ઠા. કાયાજી પછી ઠા. અલિયાજી, ઠ. રવાજી, ઠા. પંચાણજી, ઠા. હમીરજી, ઠા. જીયાજી અને ઠા. પૃથ્વીરાજજી વગેરે રાજવીઓએ રાજ્યને મજબૂત કર્યું.મધ્યકાળમાં જ્યારે દિલ્હીની સલ્તનત આખા હિન્દુસ્તાન પર રાજ કરતી હતી, ત્યારે મોરબીના રાજવી અલિયાજીએ પોતાના પરાક્રમ અને રાજનીતિથી દિલ્હીના બાદશાહને પણ માનવંતા કર્યા હતા. ઈ.સ. 1740 માં પ્રપંચથી રાજકીય હત્યા થઈ ત્યારે ઠા. રવાજી અને જીવા મહેતાએ પ્રતિજ્ઞા લઈને પડધરીની અંદર ઘોડાઓથી સાંતી જોડાવી, મીઠું વાવી ત્યાંનું પાણી હરામ કર્યું અને પડધરીના કિલ્લાના કમાડ ઉખાડીને મોરબીના લોઈડ ગેઈટ પાસે લાવીને મૂક્યા. આ પરાજય નહોતો, વેર અને વટની પ્રતિજ્ઞા હતી. રવાજીએ પ્રજાકીય કાર્યોમાં ધ્યાન આપી મજબૂત કિલ્લો બાંધ્યો. ઠાકોર વાઘજી પ્રથમે ઈ.સ. 1772 થી 1785 એ કચ્છ સાથે સમાધાન કરી ફતેહસિંહ ગાયકવાડની મદદથી માળિયા જીત્યું. હમીરજીના સમયમાં રાણી વખ્તુબાની પ્રેરણાથી ઈ.સ. 1785 માં કૃષ્ણ મહોલ નામક ત્રિકમરાયનું મંદિર બંધાયું. જીયાજીએ મોરબીને વેરાન થતું અટકાવવા સંધિ કરી, દ્વારકામાં રામમહોલ ચણાવ્યો અને દીકરીઓને દૂધ પીતી કરવાની કુપ્રથા બંધ કરાવી. મોરબીને સમૃદ્ધ કરવા પ્રજાલક્ષી કામો કર્યા અને પ્રજા સુખદુખના સાથી તરીકે ઉભરી.ઈ.સ. 1807 માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું અને સહાયક સંધિ થઈ. ઘણા માટે આ ગુલામી હતી, મોરબી માટે આ તક હતી. Out of crisis comes opportunity. ઠાકોર પૃથ્વીરાજજી અને ઠાકોર રવાજીના સમયમાં કાયદો વ્યવસ્થા મળતા રૈયત સુખી હતી. લશ્કર ઓછું કરી ખેતીવાડીમાં સુધારા કર્યા, ખેડૂતોને આર્થિક સહાય કરી, ટંકારાનો કિલ્લો બાંધ્યો, સુંદર રસ્તા બંધાવ્યા, ન્યાયભવન, પાઠશાળા, દવાખાના, ધર્મશાળા અને દરબારગઢની રચના કરી. प्रजासुखे सुखं राज्ञः - પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે.મોરબીને પેરિસ ઓફ સૌરાષ્ટ્ર બનાવવાનું સાચું શ્રેય ઠા. વાઘજીબાપુ અને મહારાજા સર લખધીરસિંહજીને જાય છે. ઈ.સ. 1870 થી પાટવીકુમાર શ્રી વાઘજીબાપુ નાની વયે ગાદીએ આવ્યા. સમસ્યાઓ આવી પણ રાજગાદી સંભાળી કે તુરત જ તેમણે રવાજીરાજ સંસ્કૃત પાઠશાળા ખોલાવી, રવાજીરાજ કીર્તિવિલાસ ગ્રંથ લખાવ્યો. અંગ્રેજી શાસન સાથે કદમતાલે વિકાસ શરૂ કર્યો. મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલના હસ્તે પાડાપુલનો પાયો નંખાવ્યો અને કાર્ય પૂર્ણ કર્યું.ઈ.સ. 1880 થી મોરબીનો Golden Period શરૂ થયો. તેમણે નઝરબાગનું વાસ્તુ કરી ત્યાં નંદેશ્વરની સ્થાપના કરી, દરબારગઢને નૂતન સ્વરૂપ આપ્યું, મેઈન બજારમાં એક સરખી બાંધણીવાળી દુકાનો બનાવી, દાણાપીઠ બનાવી, ૧૨૭ ફૂટ ઊંચો બુડ હાઉસ ટાવર અને પાડા પુલ તેમના સમયમાં બન્યા. પ્રથમ સ્ટીમ પ્રેસ આવ્યું. સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ એરોપ્લેન, ફોર્ડ મોટર, ઇલેક્ટ્રિક લાઈટ, ગામડે ગામડે ટેલિફોન, વવાણિયા ટ્રામ અને લોક અદાલત જેવી આધુનિક રીતરસમ લાવ્યા. લોર્ડ રે સાથે મૈત્રી કરી વઢવાણ, રાજકોટ, જેતપર, ટંકારા અને નવલખી રેલ્વે લાઇન શરૂ કરી અને એક જ ગેજ પર બે ગેજની ગાડી ચલાવવાનો વિક્રમ સ્થાપ્યો. ઝુલતો પુલ પણ તેમની દેન છે. બહેન વખ્તુબાના નામે ઈ.સ. 1889માં વખતુબા ધર્માર્થ વિદ્યાલયનો પાયો નંખાવ્યો અને ફરજિયાત કેળવણી દાખલ કરી. અંગ્રેજોએ મોરબીને સેકન્ડમાંથી ફર્સ્ટ ક્લાસ રાજ્ય બનાવ્યું અને મહારાણી વિક્ટોરીયાએ GCIE અને KCSI નો ઇલ્કાબ અર્પણ કર્યો.મોરબીનો સાચો વિક્રમ યુદ્ધમાં નહીં, આફતમાં દેખાયો. દુષ્કાળમાંથી બેઠા થયા ત્યાં પૂર, પ્લેગ અને કોલેરાએ મોરબીમાં કહેર મચાવ્યો. ગુજરાતમાં 1896માં મુંબઈ બંદરેથી પ્લેગ આવ્યો - ત્રીજી વૈશ્વિક પ્લેગ મહામારી. 1896થી 1920 સુધી દર વર્ષે હજારો મૃત્યુ થયા. પછી છપ્પનિયો દુષ્કાળ પડ્યો. ગુજરાતની વસ્તીના લગભગ 20% લોકો...