આરોપી ઉપર 13 ગુનાઓ, તે ગુનો આચરીને ગોવા જતો રહેતો હોવાનું ખુલ્યું : સાયબર ક્રાઈમ પોલીસે તેની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ ઉપર લીધોમોરબી : મોરબીની નાલંદા સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી લઇ સાયબર ગઠિયાએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પરિવારને નિશાન બનાવી કારખાનેદારની પત્નીનો મોબાઈલ પણ હેક કરી તેમના પરિચિત અને સગાઓ પાસેથી રૂપિયા 30 હજાર ટ્રાન્સફર કરાવી લઈ અન્ય એક પરિચિત પાસે 10 લાખની ખંડણી માંગી પૈસા નહિ આપે તો ભડાકા કરવા ધમકી આપી હતી.સાથે જ શહેરના અન્ય બ્યુટી પાર્લર અને ટ્યુશન ક્લાસના વોટ્સએપ ગ્રુપ પણ હેક કરી લેતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી અંતે આરોપીને ઝડપી લીધો છે. આ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 04/07/2026 ના રોજ ગુનો નોંધાયો હતો. ફરિયાદીના બાળકો મોરબીની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય, આરોપીએ સ્કૂલ સંચાલકના નામે ફરિયાદીની પત્નીને ફોન કર્યો હતો. ભૂલથી ઓટીપી (OTP) આવ્યો હોવાનું કહીને આરોપીએ વ્હોટ્સએપ હેક કર્યું હતું અને સાહેદોને ઈમોશનલી બ્લેકમેલ કરી 30,000 રૂપિયા કઢાવી લીધા હતા. અન્ય એક સાહેદને રાત્રિના સમયે જાનથી મારી નાખવાની ધમકી આપીને 10,00,000 રૂપિયાની ખંડણી માંગી હતી. આ ઉપરાંત, આરોપીએ મોરબીની ઈ-ઝોન સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ અને બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને ડરાવી-ધમકાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ટ્રુ કોલર (Truecaller) મારફતે ખાસ કરીને મહિલાઓના નંબર મેળવીને તેમને નિશાન બનાવતો હતો અને સ્કૂલ ફીના નામે કે સગાવહાલાઓને ઈમોશનલી બ્લેકમેલ કરી નાણાં પડાવતો હતો. મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ગુનો આચરીને ગોવા રાજ્યમાં જતો રહેતો હતો અને મોટાભાગે ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો. આ કેસમાં પોલીસે 14/07/2026 ના રોજ આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતીની અટકાયત કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.પકડાયેલો આરોપી પ્રિતેશ અગાઉ પણ આવા 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે અમરેલી, જૂનાગઢ, નડિયાદ, વલસાડ, તલોદ, રાજકોટ, મોરબી, મહેમદાવાદ, મણીનગર અને નવસારીમાં ઠગાઈ, જુગાર, ગુનાહિત ધમકી અને છેડતીના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ઠગાઈના 2 ગુના દાખલ થયેલા છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ઓટીપી (OTP) માંગે તો ક્યારેય આપવો નહીં.તમારી સાવધાની અને સતર્કતા જ તમારી સાયબર સલામતી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CyberCrime #GujaratPolice #CyberSecurity #FakeCallAlert #FraudAlert #MorbiPolice #CyberCrimeMorbi