ટંકારા : દેશની રાજધાની દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જોડાવા માટે દેશભરમાંથી ખેડૂતો હજારો કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ટંકારા અને મોરબીથી પણ અનેક કિસાનો ખેડૂત આંદોલનમાં જોડાવા દિલ્હી પોહચ્યા છે. હાલ દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન દેશભરમાં 'ટોક ઓફ ધ નેશન' બની ગયેલ છે. ભારે કડકડતી ઠંડીમાં આ મુદ્દાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડુતોને લગતા ત્રણ કૃષિ બિલોને પાછા ખેંચવાની માંગ સાથે શરુ થયેલ આંદોલનને આજે 21 દિવસ થઈ ગયા છે. ત્યારે તેના સમર્થનમાં અનેક સામાજિક અને રાજકીય આગેવાનો, કલાકારો અને આમ નાગરિકો જોડાયા છે. ત્યારે ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી પણ ખેડૂતો હજારો કિલોમીટરનું અંતર કાપી રાજધાની દિલ્હીમાં પહોંચી રહ્યા છે. ત્યારે મિતાણા ગામમાં રહેતા ચાર મિત્રો ભાગીયા દિલીપભાઈ, ગજેરા અશોકભાઈ, સંઘાણી નારણભાઈ અને ઓળકીયા ભુપતભાઈ પણ આ આંદોલનમા સામેલ થવા દિલ્હી ખાતે પહોંચી ગયા છે. જ્યારે મોરબીથી કોંગ્રેસ અને ખેડૂત આગેવાન કે.ડી.બાવરવા થતા માળીયાથી કાસમ સુમરા પણ દિલ્હી આંદોલનમાં જોડાયા છે. તેઓએ ખેડૂત આંદોલનની મક્કમતા અને અહિંસક આંદોલનની વાત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ખેડૂતો જ ખેડૂતો દેખાય છે. અને આ હાડ થિજાવી દેતી ઠંડીમા પણ દરિયાદિલી સાથે દાનવીર દાતાઓ દ્રશ્યમાન થાય છે. અને હજુ દુનિયામા ઉદારતા ટકી રહી છે તેવી અનોખી અનુભૂતિ થાય છે.