ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત 11માં પુસ્તકાલયનું 5 ઓક્ટોબરે ઉદ્ઘાટન: સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિતહળવદ (મોરબી અપડેટ): હળવદ તાલુકાના ચરાડવા ગામ માટે એક ગૌરવરૂપ અને ઐતિહાસિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. આગામી 5 ઓક્ટોબર ને સોમવારના રોજ સાંજે 4 કલાકે ચરાડવા ખાતે 'પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય'નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. કિડની ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓથી દેશ-વિદેશમાં નામના મેળવનાર ડૉ. એચ. એલ. ત્રિવેદીની સ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પુસ્તકાલયનું નિર્માણ ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત આ 11મું પુસ્તકાલય છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય અને વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તેવા ઉમદા હેતુથી આ જ્ઞાન મંદિર ઉભું કરાયું છે. આ ભવ્ય લોકાર્પણ સમારોહનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે સુનિતાબેન એચ. ત્રિવેદી, ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, અમદાવાદ IKD કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ અને જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. ડૉ. ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે.'પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય'નું નિયમિત સંચાલન ચરાડવાની જય શ્રી રામ ગૌશાળા દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમના સંકલનમાં મહેશભાઈ કાનાણી અને તપનભાઈ દવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.આ પુસ્તકાલય ચરાડવા ગામના રણછોડરાયજી મંદિર ચોક પાસે આવેલા ડૉ. એચ. એલ. ત્રિવેદીના જન્મસ્થળ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક જ્ઞાનયજ્ઞના સાક્ષી બનવા સમસ્ત ત્રિવેદી પરિવાર અને ચરાડવા ગામ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Charadwa #Halvad #Morbi #DrHLTrivedi #DrJagdishTrivedi #LibraryInauguration #RameshbhaiOza #MorbiNews #MorbiUpdates #Education #Knowledge