માળીયા હાઇવે ઉપર મોરબી - વાઘપર રૂટની બસને અકસ્માત મળતા ડ્રાઇવર, કન્ડક્ટર અને મુસાફર ઘાયલ મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલ મોરબી - વાઘપર રૂટની લોકલ બસને અકસ્માત નડતા ડ્રાઇવર, કન્ડક્ટર અને એક મુસાફરને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર મોરબી - વાઘપર રૂટની એસટી બસ ચલાવીને એસટી ચાલક દિલીપભાઈ ભગવાનજીભાઈ મકવાણા આવી રહ્યા હતા ત્યારે અમરનગર ગામના પાટિયા નજીક આગળ જઈ રહેલ ટ્રક નંબર GJ-12-Y 8594નાં ડ્રાઈવરે અચાનક બ્રેક મારી ટ્રક રોકી દેતા એસટી બસને બ્રેક મારવા છતાં બસ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એસટી ચાલક દિલીપભાઈ ભગવાનજીભાઈ મકવાણાને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે કન્ડક્ટર ઋત્વિક્ભાઈ અંબારામભાઈને હાથમાં તેમજ મુસાફર કમલેશભાઈને હાથમાં ઇજાઓ પહોંચી હતી. જો કે,અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે એસટી બસના ચાલકની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ MV ACT કલમ-૧૭૭,૧૮૪,મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.