કોરોના સંક્રમણ ટાળવા અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો મોરબી : મોરબીમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આ સંજોગોમાં મોરબી નગરપાલિકાના હોદેદારોએ કોરોના સંક્રમણ અટકાવવા માટે નવતર પ્રયોગ અજમાવી કચેરીના પ્રાંગણમાં ખુલ્લા બગીચામાં ઓફીસ શરૂ કરી છે. મોરબી નગરપાલિકાના હોદેદારોએ પોતાની જાત અને બીજાને પણ કોરોના સક્રમણથી બચાવવા માટે નગરપાલિકાની ઓફીસ છોડીને કચેરીની બહાર ખુલ્લા કુદરતી વાતવરણમાં પડાવ નાખ્યો છે. નગરપાલિકાની કચેરી બહાર ખુલ્લા બગીચામાં લીલાછમ વૃક્ષના છાયા નીચે જ પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખના પતિ કે.કે.પરમાર, પ્રભુભાઈ ભૂત અને સુરેશભાઈ દેસાઈ સહિતના પદાધિકારીઓએ ઓફીસ શરૂ કરી છે. નગરપાલિકાની અંદર ઓફીસમાં અરજદારો કે અન્ય લોકો આવતા હોય કોરોના સંક્રમણ ફેલવાની ભીતિ રહે છે તેની સામે નગરપાલિકાના ખુલ્લા મેદાનમાં કુદરતી શુદ્ધ ઓકિસજન સાથેના વાતવરણમાં બેસીને રૂટિન કામગીરી કરે તો કોરોના સંક્રમણથી બચી શકાય એને સોશ્યલ ડિસ્ટન્સનું મેઇન્ટેન જળવાઈ રહે છે. આથી, નગરપાલિકાના હોદેદારોએ છેલ્લા બે-ત્રણ ખુલ્લા મેદાનમાં બેસીને રૂટિન કામગીરી હાથ ધરી છે.