શહેરમાં વિવિધ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં યુવાનો મન મુકીને ઝૂમી ઉઠ્યામોરબી : મોરબીમાં ગઈકાલે શરદપૂનમની રઢિયાળી રાત્રીએ શીતળ ચાંદનીના વરખમાં તરબોળ બનીને રાસ ગરબાની રમઝટ બોલી હતી. વિવિધ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં યુવાનો મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા પ્રજાપતિ વિધોતેજક મંડળના લાભાર્થે રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે શરદપુનમની રઢિયાળી રાત્રે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવક યુવતીઓ અને મોટેરાઓ સહિતના લોકો મોડી રાત સુધી રાસ ગરબે રમ્યા હતા. જ્યારે પ્રિન્સ, પ્રિસેન્સ, લિટલ પ્રિન્સ પ્રિસેન્સના બે ભાગ કરી સોનાના કિંમતી ઇનામો આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યુ પેલેસ ખાતે શરદોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 40 જેટલા સમાજના બહેનોએ અદભુત રીતે તલવાર રાસ રજૂ કર્યો હતો. તેમજ મોટી સંખ્યામા સમાજના બહેનોએ રાસ ગરબાની રંગત જમાવી હતી. મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા લીલાપર ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજ માટે શરદોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના બહેનો અને ભાઈઓ રાસ ગરબે રમ્યા હતા. એ જ રીતે મોરબીના રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે લીલાપર રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવનું આયોજન કરાયું હતું. લોહાણા સમાજના મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે મોરબીના વાવડી રોડ ખાતે આહીર સેના દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમઝજના લોકો રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. ઉપરાંત ગોસ્વામી સમાજ દ્વારા મોરબીના સામાકાંઠે જનકલ્યાણ સોસાયટીના ગ્રાઉન્ડમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકોએ રાસ ગરબાનો લાભ લીધો હતો.