ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થિનીઓ દ્વારા 2051 મોદકનો મહાપ્રસાદ ધરાવાયોમોરબી અપડેટ: નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે વિદ્યાર્થીઓમાં ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ, એકતા અને સેવાભાવનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનું ‘નવયુગ કા રાજા’ સ્વરૂપે ભક્તિભાવપૂર્વક અને ભવ્ય રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણપતિ દાદાની પ્રતિમાના સ્થાપન પ્રસંગે સમગ્ર કોલેજ સંકુલને આકર્ષક શણગાર, રંગોળી, દીપમાળા અને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર, ગણેશવંદના અને ઢોલ-નગારાના નાદ વચ્ચે યોજાયેલી સ્થાપનવિધિથી સમગ્ર નવયુગ સંકુલ ભક્તિમય બની ગયું હતું.આ સમગ્ર ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કોલેજના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આયોજનથી લઈને સુશોભન, પૂજનવિધિ, આરતી અને પ્રસાદ વિતરણ સુધીની તમામ જવાબદારીઓ ઉત્સાહ અને શિસ્તપૂર્વક નિભાવી હતી. આ કાર્યમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો.વિશેષ રૂપથી ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થિનીઓ દ્વારા 2051 મોદકની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ ગણપતિ દાદાની આરતી કરવામાં આવે છે, જેમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સ્ટાફના સભ્યો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર કેમ્પસમાં આધ્યાત્મિકતા અને ઉત્સવનો માહોલ સર્જાયો છે.નવયુગ પરિવાર દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, જવાબદારી અને નેતૃત્વ વિકસાવતું આયોજન બની રહ્યું છે. આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે ભગવાન ગણેશ બુદ્ધિ, વિવેક અને સફળતાના દેવ છે. ‘નવયુગ કા રાજા’ના પાવન આગમનથી સમગ્ર નવયુગ પરિવારમાં નવી ઊર્જા અને એકતાનો સંચાર થયો છે. તેઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સાથે મળીને કરાયેલા આ ભવ્ય આયોજનને બિરદાવીને ગણપતિ દાદા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.#Morbi #MorbiUpdate #NavyugCollege #GaneshMahotsav #NavyugKaRaja #MorbiNews #Education