કેપેસીટીથી વધુ ગેરકાયદે ભૂગર્ભ ગટર કનેક્શનોનું ગંદુ પાણી વહન કરવામાં જુનવાણી સિસ્ટમ ફેઈલ ! પાલિકાના ચોપડે 80 હજાર કનેક્શન હકીકતમાં 1.50 લાખમોરબી : મોરબીમાં શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસુ હોય દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો છલકાઈને ચોમાસા જેવો નજારો સર્જે છે જેમાં મોરબીની શાન સમાન નગર દરવાજા ચોક પણ બાકાત નથી, વર્ષો જૂની ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા પાછળ પાલિકાના અંધેર તંત્રની સાથે પ્રજા પણ એટલી જ જવાબદાર છે પાલિકાના ચોપડે માંડ 80 હજાર કનેક્શન સામે હકીકતમાં 70 હજારથી વધુ ગેરકાયદેસર કનેક્શન અપાઈ ગયા હોય જુનવાણી ભૂગર્ભ ગટરો વધુ ગંદુ પાણી વહન કરી શકતી નથી સાથે જ ભૂગર્ભ ગટરમાં દારૂની બોટલ, ડાયપર, સેનેટરી નેપકીન અને અન્ય કચરો પણ પધરાવવામાં આવતો હોય ગમે ત્યારે ભૂગર્ભ ગટરો છલકી ઉઠે છે અને દરરોજ 10 ફરિયાદનો નિકાલ કરી શકતા તંત્ર સમક્ષ 30 જેટલી ફરિયાદો આવતી હોવાનું સામે આવ્યું છે.સીરામીક હબ મોરબીમાં દિવસે ને દિવસે વસ્તી વ્યાપ વધી રહ્યો છે જેની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષો જૂનું એનું એજ હોય પાણી અને ભૂગર્ભની સમસ્યા મોરબીના નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની છે, ખાસ કરીને તમામ ઋતુઓમાં મોરબીની ભૂગર્ભ ગટરો છલકાતી હોય લોકો દરરોજ ચોમાસા જેવો અંનુભવ કરી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં મોરબી શહેરમાં આશરે 1.5 લાખથી વધુ ભૂગર્ભના કનેકશનો આપવામાં આવ્યા છે હકીકતમાં નગરપાલિકાના ચોપડે 80 હજાર કનેક્શન જ બોલી રહ્યા છે, આ ભૂગર્ભ ગટરના માળખામાં આશરે 15000 થી વધુ કુંડીઓ આવેલી છે અને પાલિકા દ્વારા દરરોજ 150 કિલોગ્રામથી વધુ કચરો ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી કાઢવામાં આવે છે જેમાં સૌથી વધુ પ્લાસ્ટિકના કાગળો, બોટલો, પથ્થરો, સિમેન્ટની થેલીઓ, ડાયપર, દારૂની બોટલો નીકળે છે. !!બીજી તરફ મોરબીમાં ભૂગર્ભ ગટર છલકાવાની સરેરાશ દરરોજની 25 થી 30 જેટલી ફરિયાદો નાગરિકો દ્વારા નોંધાવવામાં આવે છે જેમાં સૌથી વધુ ફરિયાદ મોરબીના વિસીપરા, સો-ઓરડી, વાવડી રોડ, લાતી પ્લોટ, શનાળા મેઈન રોડ, મુનનગર, અરુણોદય સોસાયટી, જનકલ્યાણ, હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાંથી આવે છે છેલ્લા 3 મહિનામાં નોંધાયેલ ફરિયાદો ઉપર નજર કરવામાં આવે તો નગરપાલિકામાં નવેમ્બર માસમાં 448, ડિસેમ્બર માસમાં 494 અને જાન્યુઆરી માસમાં 547 ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે પાલિકાની ટીમ દરરોજ 10-15 જેટલી ફરિયાદનો જ નિકાલ કરી શકે છે. પરિણામે અડધો અડધ ફરિયાદોનો નિકાલ ન થતા ગટરના પાણી જાહેર માર્ગો ઉપર સતત વહેતા રહે છે.મોરબીમાં પાલિકા તંત્રની સાથે જો પ્રજા જવાબદારી પૂર્વક વર્તે તો ચોક્કસપણે ભૂગર્ભનું સોલ્યુસન થઇ શકે તેમ છે હાલમાં મોરબીની ભૂગર્ભ ગટરોની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક બોટલો, પ્લાસ્ટિક કાગળ, ડાયપર, સેનેટરી નેપકીન, કપડા સહિતની ચીજો નીકળતી હોવાનું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે એ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદય સોસાયટી, જનકલ્યાણ, હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં અનેક કિસ્સામાં ભૂગર્ભ કુંડીઓ ઉપર દબાણ કરીને લોકોએ પોતાના ફળીયા લંબાવી દઈ કુંડીઓ ઘરમાં લઈ લીધી છે. સાથે જ ઘણા વિસ્તારોમાં કુંડીની જગ્યાએ ભૂગર્ભ પાઇપ લાઈનમાં જ ગટરના કનેકશન આપી દેવાયા હોય ભૂગર્ભ ગટરો છલકાતી હોવાનું સામે આવ્યું છે.મોરબીમાં ભૂગર્ભ છલકાવાના કારણોમોરબી : મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર છલકાવાના કારણોમાં મુખ્યત્વે જૂની આયોજન વગરની પાઇપ લાઇનોની સાથે લોકો દ્વારા ભૂગર્ભ ગટરમાં કચરો અને એઠવાડ ઠાલવવાની સાથે મોરબીના મુખ્ય રોડ એવા શનાળા રોડ ઉપર વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની લાઈનો જોડી દીધી છે જેથી ત્યાં ગટર સતત ઉભરાય છે, આ ઉપરાંત પાલિકાની જાણ બહાર આડેધડ ભૂગર્ભના કનેકશનો આપી દેવાયા હોવાથી કેપેસીટીથી વધુ ગંદુ પાણી ભૂગર્ભ ગટર સિસ્ટમ વહન કરી શકતી નથી.ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા માટે પાલિકાની ટીમ અને સાધનો ટૂંકા પડે છેમોરબી : મોરબી નગર પાલિકામાં ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા માટે હાલમાં ફક્ત 18 જેટલો સ્ટાફ છે અને 3 જેટિંગ મશીન, 1 ટ્રેકટર જેટિંગ તેમજ ભૂગર્ભ ગટરનો ગાર કાઢવા માટેની 3 રીક્ષા છે જેમાં મોટાભાગના 10 વર્ષ જુના વાહનો હોય દશેરે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ છે. હકીકતમાં મોરબીની ભૂગર્ભ ગટર સમસ્યા ઉકેલવા માટે વર્તમાન સ્થિતિ જોતા 50 જેટલો સ્ટાફ, 6 જેટિંગ મશીન, 2 ટ્રેકટર જેટિંગ, 6 ગાર કાઢવા માટેની રીક્ષાની જરૂરત હોવાનું પાલિકાના જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.