દરેક રોડ ઉપર ઝુંબેશ પહેલા જાણ કરી દેવાશે , જેથી લોકો સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી શકે મોરબી : મોરબી મહાનગરપાલિકાએ 28 કિમીના રોડના રૂટ નક્કી કર્યા છે. જેમાં દર બુધવારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મહાપાલિકાની આ કામગીરીમાં શહેરીજનો પણ સહયોગ આપે એમ ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું છે. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે ગત બુધવારે ઉમિયા સર્કલથી નવા ન્સ સ્ટેન્ડ સુધીના રોડ ઉપર શેડ તેમજ માર્જિનની જગ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજે વાવડી રોડ ઉપર હનીમાનજીના મંદિરથી બાયપાસ સુધીના રોડ ઉપર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.. બે દિવસ પૂર્વે અહીંના લોકોને જાણ કરી દેવામાં આવી હતી એટલે 70થી 80 ટકા શેડ સ્વેચ્છાએ નીકળી ગયા છે. તેઓએ ઉમેર્યું કે મહાનગરપાલિકાએ 28 કિમીના રોડના રૂટ નક્કી કર્યા છે. દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આ રોડ ઉપરથી દબાણો હટાવવવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે વાવડી રોડ ઉપર આઇકોનીક રોડ બનાવવામાં આવશે. જેમાં ફૂટપાથ હશે. સારી લાઈટો હશે. ફૂટપાથ ઉપર બેસવા માટે બાંકડા ગોઠવવામાં આવશે. અંતમાં તેઓએ લોકોને અપીલ કરતા કહ્યું કે મહાપાલિકા શહેરિજનોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહી છે. લોકો પણ તેમાં સહયોગ આપે.