સૌથી ઊંચો ટોલટેક્સ જ્યાં વસુલાય છે તેવા હાઇવેની જાળવણીમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઉણી ઉતરી : પોલીસને પણ માત્ર મેમો અને ઉઘરાણામાં જ રસ મોરબી: જ્યાં સૌથી વધુ ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે તેવો મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસતંત્રની બેપરવાહ નીતિને કારણે દિવસે - દિવસે મોતનો ધોરીમાર્ગ તરીકે કુખ્યાત બની રહ્યો છે, દરરોજ કોઈને કોઈ નિર્દોષ વ્યક્તિ કાળનો કોળિયો બન્યા બાદ આજે ગુરુવારે વહેલી સવારે એક સાથે ચાર લોકોના ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા જવાબદાર તંત્રની ઘોરબેદરકારી સામે લોકરોષ ફાટી નીકળ્યો છે અને જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટતા વાહનચાલકોનો ભોગ નિર્દોષ લોકો ક્યાં સુધી બનતા રહેશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે અમદાવાદ હાઈવેની જેમ જ લોહી તરસ્યો અને કાળમુખો બની ગયો છે. નેશનલ હાઈવેની કક્ષામાં આવે એવી કોઈ સુવિધા આ હાઇવે પર દૂર દૂર સુધી જોવા મળતી નથી. હાઇવેની બન્ને તરફ ગ્રામીણ વિસ્તારો નજીક બનાવવામાં આવેલા સર્વિસરોડ ગાડામાર્ગ કરતા પણ બદતર હાલતમાં છે. સર્વિસ રોડ પર મસમોટા ખાડા અને એવા ખાડાઓમાં ભરાયેલા પાણીથી છાસવારે નાના મોટા અકસ્માતોના બનાવો બનતા રહે છે. અધૂરામાં પૂરું આવા નિમ્નકક્ષાના સર્વિસરોડ પર આડેધડ થતા પાર્કિગ અને દબાણો હાઇવે ઓથોરિટી, સ્થાનિક પોલીસ અને હાઇવે પોલીસને દેખાતા નથી. નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસ તેમજ આરટીઓ જેવા જવાબદાર દરેક તંત્રની જવાબદારી અને ફરજ માત્ર ખિસ્સા ભરવા પૂરતી સીમિત હોય એવી પ્રતીતિ થઈ રહી છે. આજે સર્જાયેલ ગંભીર અકસ્માત બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાઈવેની સુરક્ષા કરવાની જેની જવાબદારી છે એ તમામ તંત્રને માત્ર વાહનચાલકોને ખંખેરવામાં જ રસ છે. આ નેશનલ હાઇવે પરથી પસાર થતા ટ્રક ચાલકોની હંમેશા ફરિયાદ રહી છે કે, હાઇવે પોલીસ ઓવરલોડ, ઓવરહાઈટ ટ્રકોને પકડવામાં અને હપ્તા વસૂલીમાં જ વ્યસ્ત હોય છે. રાજ્ય બહારના ટ્રક ડ્રાઈવર પાસેથી કોઈને કોઈ રીતે, કોઈને કોઈ બહાને ૨૦૦-૫૦૦ રૂપિયા ખંખેરી ન લ્યે ત્યાં સુધી એ ટ્રકોને જવા દેવામાં આવતા નથી એવી ફરિયાદો રહી છે. હાઈવે પોલીસની જવાબદારી નેશનલ હાઈવેની સુરક્ષા-સલામતીની હોય છે. ટ્રાફિક ન અવરોધાય એ જોવાનું કાર્ય હાઇવે પોલીસ કરતી હોય છે. જો કે, મોરબી ફરતે આવેલા બાહ્ય માર્ગો પર દરરોજ અને સતત રહેતી ટ્રાફિક સમસ્યામાં હાઇવે પોલીસની નક્કર કાર્યવાહી ક્યારેય દેખાતી ન હોવાનું લોકો સ્પષ્ટ પણે જાણી ચુક્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી માર્ગોની જાળવણીની હોય છે અને આ જાળવણી માટે જ ટોલટેક્ષ વસુલવામાં આવે છે. માર્ગ નિર્માણનો ખર્ચ ટોલટેક્ષ ઉઘરાવીને વસૂલી લીધા બાદ પણ ઉઘરાવાતો ટોલટેક્ષ માત્રને માત્ર માર્ગની જાળવણી માટે હોય છે. જો કે, મોરબી-વાંકાનેર હાઇવે પર વઘાસિયા ટોલપ્લાઝા પર ઉઘરવાતો સૌથી વધુ ટોલટેક્ષ માર્ગ જાળવણીના ઉદ્દેશથી થતો હોય એવું આ હાઈવેની સ્થિતિ જોતા બિલકુલ જણાતું નથી. આ હાઇવે પરના સર્વિસ રોડની દયનીય હાલત આ વાતની સાક્ષી પૂરે છે. સ્થાનિક પોલીસની જવાબદારી પણ જે-તે બીટ પોલીસ સ્ટેશનની હોય છે. હાઇવે પર થતા અકસ્માત નિવારવા, કે ગુન્હેગારો પર નજર રાખવા, અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા કે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આરોપીઓને પકડવાની જવાબદારી સ્થાનિક પોલીસ કરતી હોય છે. જો કે ઉપરોક્ત હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાઓ બાદ પોલીસ હાથ ઘસતી રહી જાય છે અને અકસ્માત સર્જનાર વાહનચાલક નાસી જાય છે. થોડા સમય પહેલા આવી હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ-ત્રણ માનવ જિંદગી હોમાઈ હતી. જેમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર વાહનચાલકના હજુ કોઈ સગડ મળ્યા નથી ત્યારે આજે ગુરુવારે વ્હેલી સવારે ચાર-ચાર નિર્દોષોનો ભોગ લેનાર વાહનચાલક પણ ફરાર થઈ ગયો છે.જો કે, ટોલપ્લાઝા પર સી.સી.ટી.વી. કેમેરા આવા સમયે માત્ર શોભના ગાંઠિયા સમાન જ હોવાનું આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે. કારણ કે, હાઇવે પર અકસ્માત સર્જીને નાસી છૂટનાર વાહનચાલ હાઇવે પોલીસ કે સ્થાનિક પોલીસની નજરે કેમ ચડતો નથી એ સો મણનો સવાલ છે. આ સંજોગોમાં દરરોજ જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે તેવા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવેને વાહનો ચાલી શકે તેવો યોગ્ય બનાવવાની સાથે યમરૂપી ખાડા ન પડે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી હાઈવેની જાળવણી કરે અને સ્થાનીય પોલીસ તથા હાઇવે પોલીસ પણ માત્ર ટારગેટ પુરા કરવા મેમો ફાળવાને બદલે અકસ્માત ન સર્જાય તેવા પગલાં ભરે અને સાથો સાથ આરટીઓ પણ ટ્રાફિક માસની ઉજવણી કાગળ ઉપર કરવાને બદલે સાચી દિશામાં કાર્યવાહી કરે તો જ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્દોષ લોકોના મોતનો સિલસિલો અટકે તેમ હોવાનું જણાઈ રહ્યુ છે.